મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ

પલ્લવી આચાર્ય

જિંદગી એક સફર છે અને સફર હંમેશાં આસાન જ હોય એવું દરેક કિસ્સામાં બનતું નથી. અહીં હંમેશાં મોડ એટલે કે વળાંકો આવતા રહેતા હોય છે, જે વળાંકો જ આપણા જીવનને ઓપ આપતા હોય છે. જીવનમાં ક્યારેકસુખદ મોડ આવતા હોય છે તો ક્યારેક આપણને ન ગમે એવા દુ:ખદ વળાંકોનો પણ આપણે સામનો કરવો પડતો હોય છે. જોકે જીવનમાં મોડ ભલે ગમે એવા આવતા હોય, પરંતુ આપણે જીવનની સફર જારી રાખવી પડે છે. આખરે જીવનનો અર્થ જ ચાલતા રહેવામાં છે, વહેતા રહેવામાં છે…

જીવનમાં આવતા મહત્ત્વના વળાંકોને ધ્યાનમાં રાખતાં ‘કૉકટેલ ઝિંદગી’એ કેટલીક સેલિબ્રિટીઓની વિશેષ મુલાકાત કરી અને તેમની પાસે એ જાણવાનો પ્રયત્ન કર્યો કે તેમના જીવનમાં કેવા વળાંકો આવ્યા હતા અને એ સુખદ અથવા દુ:ખદ વળાંકોથી તેમના જીવનમાં કેવા ફેરફારો થયા હતા?

સ્કૂલમાંથી ઉઠાડી દીધી હોત તો આજે છું હોત

અરુણા ઈરાની (ઍક્ટ્રેસ)

ખ્યાતનામ અભિનેત્રી અરુણા ઈરાનીએ હિન્દી,ગુજરાતી અને મરાઠી મળીને 300 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. પોતાની કારકિર્દીમાં મોટા ભાગે સપોર્ટિંગ અને કૅરૅક્ટર રોલ કરનારાંઅરુણા ઈરાનીને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસના એક કે બે નહીં, દસ ફિલ્મફેર ઍવોર્ડ્સ મળ્યા છે. આ ઉપરાંત વીસેક જેટલી ટીવી સિરિયલ્સમાં પર્ફોર્મિંગ કૅરૅક્ટર રોલ, ડિરેક્શન અને પ્રોડક્શનની જવાબદારી સાંભળનારાં અરુણા ઈરાનીએ ‘કૉકટેલ ઝિંદગી’ સાથે પેટછૂટી વાતો કરી હતી અને તેમના જીવનના બે મહત્ત્વના ટર્નિંગ પૉઇન્ટ વિશે જણાવ્યું હતું.

જીવનના એક કડવા સત્યે અરુણાજીના જીવનને 180 ડિગ્રી પર ઘુમાવી દીધું હતું. એની વાત કરતાં તેઓ કહે છે, ‘હું સિકસ્થમાં હતી ત્યારે મારા પપ્પાએ મને સ્કૂલમાંથી ઉઠાડી દીધી. તેમનું માનવું હતું કે છોકરીઓ ભણીને શું કરશે? આમેય અમે આઠ ભાઈ-બહેનો હતાં અને અમારો ભણવાનો ખર્ચ તેમને પોસાય એમ નહોતો. એ સમયે તો માત્ર પાંચ રૂપિયા સ્કૂલ-ફી હતી, પણ ત્યારે એટલા પૈસા પણ અમારી પાસે નહોતા!

મારા જીવનનો એ બિગ ટર્નિંગ પૉઈન્ટ હતો. એ સમયે મને બહુ ખરાબ લાગેલું, કારણ કે મારે ભણીને ડૉક્ટર બનવું હતું; પરંતુ આજે મને લાગે છે કે હું જેટલી આજે કુશળ છું એટલી કુશળ કે હોશિયાર ભણીને ન થઈ શકી હોત. ભણીગણીને પણ લોકો જેટલું ઇંગ્લિશ બોલી કે સમજી નથી શકતા એથી વધુ હું બોલી કે સમજી શકું છું. એ સમયે સાડાચાર રૂપિયાની લિટલ ઑક્સફર્ડ ડિક્શનરી મળતી હતી એ મેં વસાવેલી અને મારી જાતે જ હું હિન્દીમાં શબ્દોના અર્થ સમજતી જતી. આજે મને કોઈ કહી ન શકે કે હું ભણેલી નથી.

અરુણાજી 12 વર્ષની ઉંમર સુધી ઘરમાં રહ્યાં અને 15 વર્ષની ઉંમરે તેઓ નાટકોમાં કામ કરવા લાગ્યાં, કારણ કે તેમના પિતા ફરેદૂન ઈરાની એક નાટક કંપની ચલાવતા હતા. પાછળથી તેમના દિલને ટાઢક થાય એવો એક ટર્નિંગ પૉઇન્ટ પણ અરુણાજીનાં જીવનમાં આવ્યો.

એ પ્રસંગને યાદ કરતાં તેઓ કહે છે, ‘અમારો પરિવાર બહુ મોટો હતો અને વળી એમાં હું સૌથી મોટી! વર્ષો સુધી મારા પિતા એવું માનતા રહ્યા કે હું દીકરીને બદલે દીકરો હોત તો સારું થાત, જેથી હું ફૅમિલીને સંભાળી લેત અને તેઓ શાંતિથી રહી શકત. પછીથી તેઓ મારા કામથી અત્યંત રાજી થયેલા. આ 1969ની વાત છે, જ્યારે એક દિવસ તેમણે મને કહેલું કે તું મારી દીકરી નથી પણ દીકરો છે. અરુણા નહીં અરુણ છે તું! બસ, એ દિવસ મારી લાઇફનો સૌથી મહત્ત્વનો દિવસ હતો અને એને જ હું મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ પણ માનું છું. મને એ વાતની ખાતરી થઈ ગઈ હતી કે હું દીકરી છું એનો મારા ફાધરને વસવસો નથી. પછી તો થોડા જ દિવસોમાં તેમનું અવસાન થયું, પરંતુ મને એ વાતે સંતોષ થયો કે તેમણે રાજી થઈને આ દુનિયા છોડી અને તેમને રાજી કરવા માટે ભગવાને મને સાથ આપ્યો. એ સમયે હું કામ કરતી ત્યારે લોકો મારા પરિવારને સૂગથી જોતા કે આ લોકો તો દીકરી પાસે કામ કરાવે છે!’

પિતા વિશે આ વાત કરતાંઅરુણાજીના ગળે ડૂમો ભરાઈ જાય છે.

અચાનક હું મારી ઉંમર કરતાં ઘણો મોટો થઈ ગયો

શ્યામ પાઠક (ઍક્ટર)

‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવી સિરિયલમાં પત્રકાર પોપટલાલના પાત્રથી વધુ જાણીતા બનેલા શ્યામ પાઠક તેમની જિંદગીના સંઘર્ષો અને એ મશક્કત દરમિયાન જિંદગીએ કેવો વળાંક લીધો એ વિશે વાતો કરે છે. 1993માં મુંબઈમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટ સાથે સંકળાયેલી તેમના જીવનની એક દુ:ખદ ઘટનાને યાદ કરતાં તેઓ કહે છે, ‘1993ની 12 માર્ચનો એ દિવસ હતો. દલાલ સ્ટ્રીટમાં મારા પિતા એક ઇન્શ્યૉરન્સ સર્વેયર કંપનીમાં કામ કરતા હતા અને હું એની પાછળની સ્ટ્રીટમાં એક ફર્મમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ માટેની આર્ટિકલશિપ કરતો હતો. અમે બન્નેરોજ બપોરે શૅરબજારના બિલ્ડિંગની સામે મળીએ, જમીએ અને ચા પીએ. આ અમારો નિત્યક્રમ હતો.એ દિવસે હું પપ્પાની રાહ જોતો ઊભો હતો ને અચાનક એક જોરદાર ધમાકો થયો ને કાળાં ડિબાંગ વાદળો ઊઠ્યાં. પપ્પા ક્યાં છે એ જોવા હું મેઇન સ્ટ્રીટમાં આવ્યો તો ફાયર-બ્રિગેડ અને ઍમ્બ્યુલન્સની દોડધામ ચાલુ થઈ ગઈ હતી.

હું ચિંતિત થઈને પપ્પાની રાહ જોતો હતો તો ક્યારેક આમતેમ રખડીને તેમને શોધતો હતો. ત્યારે પપ્પા તો ન આવ્યા, પણ બૉમ્બે હૉસ્પિટલમાંથી મારા પર એક ડૉક્ટરનો ફોન જરૂર આવ્યો. એ દિવસે ગભરાઈને હું જેમતેમ હૉસ્પિટલ પહોંચેલો, જ્યાં મારા પપ્પા લોહીલુહાણ હતા ને ડૉક્ટરો તેમની પાટાપિંડી કરી રહ્યા હતા. તેમના શરીરમાં કાચ ઘૂસી ગયા હતા અને ખભો અને ડાબા હાથનાં હાડકાં ક્રૅક થઈ ગયાં હતાં…

આ ઘટનાએ મને હલાવી દીધો. ત્યારે મારા પિતાને 40 દિવસ બૉમ્બે હૉસ્પિટલમાં રાખવા પડ્યા હતા. હું ત્યારે કૉલેજમાં ભણતો હતો અને અમારું કુટુંબ અત્યંત મિડલક્લાસ હતું. ઘરમાં કમાવાવાળા પપ્પા જ હતા. પરંતુ આવું થયું એટલે ઘરની બધી જવાબદારી મારા ખભા પર આવી ગઈ. શરૂઆતમાં મને રોજ એમ થતું કે અમારી સાથે આવું કેમ થયું? જોકે સાથે જ એ દિવસથી મારામાં ઘણી મૅચ્યૉરિટી પણ આવી ગઈ અને હું મારી ઉંમરના પ્રમાણમાં વધુ જવાબદારીઓ ઉઠાવવા માંડ્યો. એ ઘટના બાદ મારું અને મારા પરિવારનું જીવન જ બદલાઈ ગયું. મારે ભણવાની સાથે જૉબ પણ કરવી પડી. પછી મારા ફાધર ઠીક જરૂર થયા, પણ કામ તો ન જ કરી શક્યા અને 3 વર્ષ પછી તો મેં તેમને ગુમાવી જ દીધા…’

જોકે સંઘર્ષ માણસને પરેશાન જરૂર કરે છે, પરંતુ સાથે સંઘર્ષ માણસને ઘડે છે અને અવનવું શીખવે પણ છે. નાની ઉંમરે તેમણે સંઘર્ષ તો કરવો પડ્યો, પણ એ સંઘર્ષ બાદ જીવનમાં કેવા નવા રસ્તા ખૂલતા ગયા એ વિશે પણ શ્યામ પાઠક ઇન્ટરેસ્ટિંગ વાત કરે છે. તેમના જીવનના એ સુખદ મોડની વાત કરતાં તેઓ કહે છે, ‘પિતાના અવસાન પછી મમ્મીના જીવનમાં શૂન્યાવકાશ છવાઈ ગયો. એ કારણે તેમની તબિયત પણ સારી નહોતી રહેતી. સી.એ.નું ભણવાની સાથે હું જૉબ કરતો અને પૃથ્વી થિયેટરમાં નાદીરા બબ્બરની ‘એકજૂટ’ ટીમ સાથે પણ જોડાયેલો હતો. ત્યારે જીવનમાં જ્યાં ડગલું માંડું ત્યાં મારે સંઘર્ષ કરવો પડે એવી સ્થિતિ હતી. હિન્દી નાટકો, જૉબ અને ભણવાનું બધું એકસાથે ચાલતું અને અહીંથી ત્યાં એમ સતત દોડધામ રહેતી. સાથે મમ્મીની તબિયત સારી નહોતી રહેતી એનું પણ ખૂબ ટેન્શન રહેતું. જોકે કોઈને કોઈ રીતે એ બધું સચવાઈ જતું હતું.

એવામાં નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં મારું ઍડ્મિશન થયું. એ દિવસ મારી જિંદગીનો બહુ મહત્ત્વનો દિવસ હતો, કારણ કે એ દિવસ પછી મારી જિંદગી સાવ બદલાઈ ગઈ. આ એ ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં ઍડ્મિશન માટે એશિયાભરમાંથી લોકો આવે અને દર વર્ષે ગણ્યા-ગાંઠ્યા વિદ્યાર્થીઓને જ ઍડ્મિશન મળે! સિલેક્શનના 3 રાઉન્ડ પાર કર્યા બાદ મહારાષ્ટ્રમાંથી એકમાત્ર મને જ ઍડ્મિશન મળેલું! આખા રાજ્યમાં કોઈ એકને જ આવું સૌભાગ્ય મળે. ઓમ પુરી,અનુપમ ખેર, નવાઝુદ્દીન સિદ્દીકી, ઇરફાન ખાન વગેરે અહીંથી બહાર પડેલા છે. વર્લ્ડના બેસ્ટ ટીચર્સ અહીં શીખવવા આવે છે. મારું અહોભાગ્ય હતું કે મને ત્યાં ઍડ્મિશન મળ્યું.જોકે હું ત્યાં જાઉં એવી મમ્મીની ઇચ્છા નહોતી.તેઓ મને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનાવવા માગતા હતા. એ તો હું બની ગયો, પણ મારે ઍક્ટિંગમાં કરીઅર બનાવવી હતી એટલે મમ્મીને નાની પાસે મૂકીને હું દિલ્હી ગયો. આ ઍડ્મિશને મારા જીવનને સુખદ મોડ આપ્યો. અહીં જ મને વાઇફ રશ્મિ મળી. તેની સાથે મેં લગ્ન કર્યાં અને અમને પાર્થ અને નિયતિ એમ બે સંતાનો થયાં. મેં ઍડ્મિશનની કલ્પના પણ નહોતી કરી, પણ નસીબજોગે મારું નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ઍડ્મિશન થઈ ગયું. ત્યાંથી આવ્યો પછી તો જાણે મારી સાથે અનુભવોની એક આખી બૅન્ક હતી.

એક તરફ મારો સંસાર વસ્યો.દીકરી નિયતિ આવતાંની સાથે જીવનમાં ઘણાબધા બદલાવ આવ્યા. જીવનમાં પૉઝિટિવિટી આવી, ખુશાલી આવી અને જીવન પ્રત્યેનો મારો અભિગમ બદલાયો. ઘરનો દરવાજો ખૂલે ને પપ્પાની રાહ જોતાં બાળકોની સુખદ પળો પણ મળી!હું જે કામ કરતો હતો એમાં દિવસે ને દિવસે વધારો થયો ને છેલ્લે પત્રકાર પોપટલાલનો મને રોલ મળ્યો અને હું અત્યંત પૉપ્યુલર થયો… એ પહેલાં પણ નાટકો અને ‘જશુબેન જયંતીલાલ જોશી કી જૉઇન્ટ ફૅમિલી’ જેવી થોડી સિરિયલો પણ મળી હતી. અઢળક ખુશી અને ઘણુંબધું કામ મળી જાય પછી બીજું તો શું જોઈએ માણસને?’

અને અચાનક હું મૅચ્યૉર બની ગઈ

કેતકી દવે (ઍક્ટ્રેસ)

ફિલ્મો,ટેલિવિઝન અને થિયેટરનાં જાણીતા અભિનેત્રી કેતકી દવેને જીવનના એક તબક્કે ઘણું મોટું સત્ય સમજાયું હતું અને એ જ ઘડીથી તેમનામાં ઘણાં પરિવર્તનો આવ્યાં હતાં. તેમનામાં આવેલા બદલાવની વાત કરતાં તેઓ કહે છે, ‘હું 17 વર્ષની હતી. સાવ અલ્લડ ઉંમર અને સ્વભાવ પણ એવો જ. કોઈ જ ગંભીરતા નહીં કે નહીં કોઈ વાતની સભાનતા.એક દિવસ મારા પપ્પા પ્રવીણ જોશીનું અવસાન થયું. એ દિવસે મારી લાઇફમાં મેં પહેલીવાર ડેથને નજીકથી જોયું. આવી સિચ્યુએશન હું પહેલીવાર ફેસ કરી રહી હતી. હું માનવા તૈયાર જ નહોતી કે હવે પાપા નથી. આ એજમાં છોકરી આસમાનમાં વિહરતી હોય. પણ એ ઘટનાથી હું અચાનક ધરતી પર આવી ગઈ. મને સમજાવા લાગ્યું કે જીવન આવું પણ હોઈ શકે. હું ફર્સ્ટ ટાઇમ મૃત્યુને ફેસ કરી રહી હતી એટલે મારા માટે આ હકીકતને માનવી બહુ અઘરી હતી. એ દિવસે મને રિયલાઇઝ થયું કે માણસની જિંદગીની કોઈ ગૅરન્ટી નથી અને જીવનમાં કશું પર્મનન્ટ નથી અને આ જ જિંદગી છે! ત્યાં સુધી તો હું ‘હોતા હૈ… ચલતા હૈ…’ ટાઇપની હતી, પણ એ પછી મારામાં મૅચ્યૉરિટી આવી ગઈ.’

તો તેમનાં બાળકોના જન્મ પછી તેમના જીવનમાં સુખદ વળાંક આવ્યો હતો. એ વિશે વાત કરતાં કેતકીબહેન કહે છે, ‘મારાં બાળકોના જન્મ પછી મને સમજાયું કે મારામાં પણ માતૃત્વ ધબકે છે. સંતાનો નહીં હોય ત્યાં સુધી માતૃત્વ એટલે શું એની આપણને જાણ નહીં હોય, પણ તેઓ આવે પછી જ તમને સમજાય છે કે મા અને સંતાનોનો સંબંધ અત્યંત ગજબ હોય છે. મારાં સંતાનોના જન્મ બાદ મારામાં અને મારા જીવનમાં બદલાવ આવ્યો છે.’

મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરવાને બદલે આજે ફિલ્મોમાં છું

સોનુ સૂદ (ઍક્ટર)

‘દબંગ’ ફિલ્મના છેદી સિંહ એટલે કે સોનુ સૂદે અત્યાર સુધીમાં 65થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. હિન્દી, તેલુગુ,તામિલ, ક્ધનડ અને પંજાબી ફિલ્મોના ઍક્ટર, મૉડલ અને ફિલ્મ-પ્રોડ્યુસર સોનુ સૂદને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટરનો ફિલ્મફેર ઍવોર્ડ પણ મળ્યો છે તો ‘અરુંધતી’ અને ‘દબંગ’ ફિલ્મ માટે તેને આઇફાના બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર માટેના ઍવોર્ડ મળ્યા છે.

પંજાબના મોંગામાં જન્મેલો સોનુ હાયર સ્ટડી માટે નાગપુર શિફ્ટ થયો હતો. તેણે નાગપુરની યશવંતરાવ ચવાણ કૉલેજ ઑફ એન્જિનિયરિંગથી બૅચલર ઇન  ઇલેક્ટ્રૉનિક એન્જિનિયરિંગ કર્યું છે. બૉડી બિલ્ડઅપ સારું હોવાને કારણે અભ્યાસ દરમિયાન તે મૉડલિંગ ઇવેન્ટમાં ભાગ લેતો હતો. સાથે તે ફૅશન-શો, રૅમ્પ વૉક અને ફૅશન-ડિઝાઇનર્સ માટે પણ કામ કરતો હતો.

એન્જિનિયરિંગની સ્ટડી કરી રહેલા સોનુના મનના કોઈ એક ખૂણે ઍક્ટર બનવાની તીવ્ર ઇચ્છા ધરબાયેલી હતી. તેની આ ઇચ્છાને કૉલેજકાળ દરમિયાન હવા મળી અને સાથે એક નાનકડું પ્લૅટફૉર્મ પણ મળ્યું. બસ, એ સાથે જ શરૂ થઈ તેની એક્ટર બનવાની સફર.

એન્જિનિયરમાંથી ઍક્ટર બન્યો એ બાબતને જપોતાની લાઇફનો ગ્રેટ ટર્નિંગ પૉઇન્ટ ગણાવતાં સોનુ સૂદ કહે છે, ‘કૉલેજકાળ  દરમિયાન જ ઍક્ટર બનવાની મારી ઇચ્છા તીવ્ર થતી જતી હતી તેથી એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી આ ફીલ્ડમાં આવવાનું મેં નક્કી કર્યું એ મારા જીવનનો મેજર ટર્નિંગ પૉઇન્ટ હતો. એ નિર્ણયથી મારું જીવન બદલાઈ ગયું. એક એન્જિનિયર તરીકે કોઈ મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરવાને બદલે આજે હું ફિલ્મોમાં કામ કરું છું.’

‘દબંગ’ ફિલ્મ તેમજ મણિરત્નમ તથા આશુતોષ ગોવારિકર જેવા ડિરેક્ટરો સાથે કામ કરવા મળ્યું એને કારણે સોનુના જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. એટલું જ નહીં, પોતે કરેલી દરેક ફિલ્મ તેને નેક્સ્ટ લેવલ પર લઈ જાય છે એની નમ્ર કબૂલાત કરતાં સોનુ સૂદ કહે છે,‘મારા માટે તો મારી દરેક ફિલ્મ મારા જીવનનો એક ટર્નિંગ પૉઇન્ટ જ છે; પણ હા, જૅકી ચૅન સાથે કામ કરવા મળ્યું એને હું મારા લાઇફનો બીજો ટર્નિંગ પૉઇન્ટ કહીશ, કારણ કે આ ફિલ્મથી મને ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ મળ્યું અને અલગ ઓળખ મળી. જોકે આ બધું મારા નસીબમાં લખ્યું હશે એટલે જ એ મને મળ્યું છે એ નક્કી.’

ભેજાફ્રાય છે લાઇફનો ટર્નિંગ પૉઇન્ટ

વિનય પાઠક (ઍક્ટર)

હિન્દી ફિલ્મ અને થિયેટર ઍક્ટર તેમ જ ટેલિવિઝન પ્રોડ્યુસર અને પ્રેઝન્ટર વિનય પાઠકે ચાલીસથી વધુ હિન્દી ફિલ્મો કરી છે. બિહારમાં જન્મેલા વિનય પાઠકને ફિલ્મો જોવાનું ઘેલું બચપણથી જ હતું. તેઓ અલાહાબાદ યુનિવર્સિટીમાં ભણતા ત્યારે દર અઠવાડિયે રિલીઝ થતી ફિલ્મો ક્લાસ બન્ક કરીને પણ તેઓ જોઈ લેતા. દિલીપકુમારના તો તેઓ મોટા ફૅન અને તેમની બધી જ ફિલ્મો તેમણે જોઈ છે. તો અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ ‘દીવાર’ માટે પણ તેમણે ક્લાસ બન્ક કર્યો હતો. આમ તેમણે ફિલ્મો તો ઘણી જોઈ, પરંતુ તેમને અભિનયના ક્ષેત્રે લઈ આવવાનું મહત્ત્વનું કારણ બન્યું બ્રિટિશ નાટક ‘એક્કાસ’. તેઓ સ્ટોની બ્રુક સ્થિતસ્ટેટ યુનિવર્સિટી ઑફ ન્યુ યૉર્કમાં બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનનું ભણી રહ્યા હતા ત્યારે તેમણે એ નાટક જોયું હતું. એ પછી તેમણે તેમનું ભણવાનું છોડી દીધું અને તેમણે ફાઇન આટર્સમાં ગ્રૅજ્યુએશન કરવા ઍડ્મિશન લીધું.

એ નાટક બાદ તેમણે ઍક્ટર બનવાનું નક્કી કરી લીધું હતું. પછી તો ઍક્ટિંગનો દોર શરૂ થયો અને તેમણે ઘણું કામ કર્યું. જોકે ‘ભેજાફ્રાય’ ફિલ્મે તેમના જીવનને ઘણું બદલી દીધું. એ વિશે વાત કરતાં વિનય પાઠક કહે છે, ‘ફિલ્મ ‘ભેજાફ્રાય’ સિવાય મારા જીવનમાં કશું નથી. આ ફિલ્મ બનવી, રિલીઝ થવી અને એનું અત્યંત સફળ થવું મારા માટે આશ્ર્ચર્યજનક ઘટના છે. એ ફિલ્મ બાદ લોકો મને બીજા કોઈ કિરદારમાં જોવા જ નથી માગતા. એ ફિલ્મ પછી મને બહુ માન-સન્માન અને આદર મળ્યાં છે. ત્યારબાદ મને એવું સ્થાન મળ્યું કે કલાકાર તરીકે હું મારા કામને સિલેક્ટ કરી શકું છું. આ પ્રિવિલેજની વાત છે. આ સહૂલિયત માટે હું ‘ભેજાફ્રાય’નો ઋણી છું. આ ફિલ્મ પછી આવેલી મારી ફિલ્મોને પણ ઘણી સફળતા મળી છે. પછી એ ‘ચલો દિલ્હી’ હોય કે ‘ગોર હરિ દાસ્તાન’ હોય. લોકો મને આ ‘ભેજાફ્રાય’વાળો ઍક્ટર છે એ રીતે યાદ કરે છે. ઇન્ડસ્ટ્રીમાં પણ આ ફિલ્મને લીધે જ મારું ઘણું માન છે. આ ફિલ્મથી મારા જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે.’

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.