આપકી નઝરોં ને સમઝા પ્યાર કે કાબિલ મુઝે…

રામ મોરી

અમદાવાદની ગુજરાત કૉલેજના અંગ્રેજીના પ્રાધ્યાપક પ્રજ્ઞાચક્ષુ ઉર્મિશ મહેતા ખૂબ સુરીલા ગાયક. તેમની પત્ની વૈશાલી મહેતા પણ કોકિલકંઠી ગાયિકા છે. એક પ્રજ્ઞાચક્ષુ સાથે પ્રેમ કરવો, છોકરી હોવા છતાં એ પ્રેમનો સામેથી સ્વીકાર કરવો એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. ઘરના લોકોથી ચોરી-ચોરી મળીને લગ્નની ચોરી સુધીની આ સફર કોઈ હિન્દી ફિલ્મની રોમૅન્ટિક સ્ટોરીલાઇનથી સહેજ પણ ઊતરતી નથી. લગ્નજીવનમાં પતિ-પત્ની એકબીજાની આંખે પોતીકું ભવિષ્ય જોતાં હોય છે, પણ એ ભવિષ્યમાં કુદરતે આપેલું અંધારું જ ઘરનો ઉંબરો બની બેસે તો? આવો જાણીએ એ સુરીલા સાત સૂરોની સાતરંગી દાસ્તાન વૈશાલી મહેતા પાસેથી. ઓવર ટુ વૈશાલી ઉર્મિશ મહેતા.

***

દરેક છોકરીનું એક સપનું હોય. એ સપનાને મેઘધનુષી સાત રંગો હોય છે. દરેક રંગનો પોતાનો અર્થ હોય છે. એ બધા જ અર્થોને સંતાડી શકવાની આવડતવાળી કોડીલી આંખો હોય છે. એ આંખોમાં ન કહેવાયેલી વાતોને ઉકેલી શકે એવી લિપિના જાણનારની રાહ હોય છે. એ આવનારની આંખોના રંગોને સત્તર વર્ષના દુપટ્ટાના છેડે લાગેલી સળોમાં છોકરી સંતાડી રાખે. મેં પણ સંતાડી રાખ્યા હતા.

1991-1992નો એ સમય હતો. હું દસમા ધોરણમાં ભણતી હતી. ગીતો ગાવાનો મને નાનપણથી ખૂબ શોખ અને ઈશ્વરકૃપાથી ગળાને મા સરસ્વતીના આશીર્વાદ મળેલા. હું સ્ટેજ-શો કરતી અને મ્યુઝિકલ ગ્રુપમાં ગાવા જતી. આજે પણ એ ક્ષણને યાદ કરું છું તો ફરી સત્તર વર્ષની થઈ જાઉં છું અને હથેળીઓ ભીની થઈ જાય છે. ઉર્મિશને પહેલીવાર જોયા ત્યારે તેઓ સ્ટેજ પર ગીતો ગાતા હતા. તેમના સૂર, ગીતો ગાવાની તેમની રીત, તેમનો વ્યવહાર, તેમની રહેણીકહેણી… ના, આમ તો એવી કઈ વસ્તુ હતી જેનાથી મને તેઓ ગમવા લાગ્યા એ આજ સુધી હું જાણી શકી નથી; પણ તેઓ મને ગમવા લાગ્યા. હું પ્રેમમાં છું એ સમજતાં બીજાં બે વર્ષ થયાં. આજે પણ કોઈ મને પૂછે કે ઉર્મિશમાં એવી કઈ બાબત છે જે તમને સૌથી વધુ ગમે તો મારો જવાબ એક જ હશે કે આખ્ખેઆખ્ખા ઉર્મિશ! હું તેમના આખ્ખેઆખ્ખા અસ્તિત્વને પ્રેમ કરું છું, કોઈ એક બાબતને નહીં. હા, તમે એમ કહી શકો કે મારા જીવનમાં આવેલી સૌથી સુંદર ઘટનાનું નામ ઉર્મિશ મહેતા છે. હું ઉર્મિશને મળી, ધીમે-ધીમે તેમને વધારે નજીકથી ઓળખતી થઈ ત્યાં સુધી જે વસ્તુ મારા ધ્યાનમાં નહોતી આવી અથવા કહો કે મને ખટકતી નહોતી લાગી એ હતી ઉર્મિશની આંખોમાં અંજાયેલું કાયમી અંધારું. ઉર્મિશને આંખો નથી અને મારાથી તે સાત વર્ષ મોટા છે. કદાચ મારા માટે આ બન્ને બાબતો મહત્ત્વની નહોતી, પણ મારી સાથે જોડાયેલા લોકો માટે આ ક્યારેય ન ઉકેલી શકાય એવા બે મોટા મહાપ્રશ્ન હતા. મને મારી ફ્રેન્ડ્સ કહેતી કે ‘વૈશાલી, તું યાર અત્યારે પ્રેમમાં છે એટલે તને નથી સમજાતું કે આ સંબંધમાં તને કશો વાંધો નથી દેખાતો. બાકી એક અંધ વ્યક્તિ સાથે આખી જિંદગી કાઢવી સરળ નથી.’

હું એ લોકોની વાતોથી ચિડાઈ જતી અને કહેતી, ‘તમે લોકો તેમને અંધ ન કહો… તેમને પ્રજ્ઞાચક્ષુ કહેવાય.’

‘જો વૈશાલી, એક વસ્તુ સાંભળી લે અને સમજી લે. તેને અંધ કહેવાથી કે પ્રજ્ઞાચક્ષુ કહેવાથી પરિસ્થિતિબદલાઈ નહીં જાય. તેમને બધું દેખાવા નહીં લાગે. હજુ કહીએ છીએ પાછી વળી જા. આગળ એકલું અંધારું જ છે. ઠેબા ખાઈશ.’

‘વૈશાલી વિચાર કર, તેને એ પણ ખબર નહીં હોય કે તેના માટે તું કેવી તૈયાર થઈ છે? કેવું ઘર સજાવ્યું છે?’

‘વૈશાલી, તું કહીશ ત્યારે તો તેને ખબર પડશે કે તને રડવું આવે છે, તું કહીશ ત્યારે તો તેને ખબર પડશે કે તું મૂંઝાઈ છે. દરેક વસ્તુ માટે તારે સતત કહેતા રહેવું પડશે. સતત એક્સપ્રેસ થવાનો થાક લાગશે. તું કશું જ ન કહે અને તે સમજી જાય એવી સ્થિતિ તારા સંબંધમાં જ નહીં હોય.’

આ બધી વાતો સાંભળીને પણ મને સાચે જ કોઈ ફરક નહોતો પડતો. હું જીવનમાં ક્યારેય પ્લાનિંગ કરીને ચાલી નથી, જરૂર કરતાં લાંબો વિચાર મેં ક્યારેય કર્યો નથી.કદાચ એ જ વાતનો ફાયદો મને હંમેશાં થતો રહ્યો છે. સમજી-વિચારીને તો વેપાર થાય, પ્રેમમાં ગણતરીઓને અવકાશ ક્યાંથી?મારા પ્રેમસંબંધમાં કશું સરળ નહોતું પણ મારે બઘી ગૂંચો ઉકેલીને બધું સરળ કરવાનું હતું. સૌથી પહેલાં તો મારે ઉર્મિશને કહેવાનું હતું કે ઉર્મિશ, હું તમને પ્રેમ કરું છું.

એક તબક્કે ઉર્મિશને વહેમ પડી ગયો હતો કે હું તેમને પ્રેમ કરું છું. 1994માં ઉર્મિશ ગુજરાત કૉલેજમાં જૉબ કરતા હતા. અમે બન્ને સારા મિત્રો બની ચૂક્યાં હતાં અને અનેક સ્ટેજ-શો કરી ચૂક્યાં હતાં. મને ખાતરી હતી જ કે ઉર્મિશને પણ હું ગમતી જ હતી. હું ઉર્મિશને મળવા તેમના ફ્લૅટ પર ગઈ. ચાબનાવી અને અમે બન્ને ગૅલેરીમાં બેઠાં. ઉર્મિશના વર્તનથી હું સમજી ગઈ કે કદાચ તેમને ખબર પડી ગઈ કે આજે હું કયા આશયથી આવી છું. મને થયું તેઓ કશું કહે કે મને બોલતાં અટકાવી દે એ પહેલાં હું જ વાત કરી દઉ. ઊંડા શ્વાસ લઈને હું બોલી ગઈ, ‘ઉર્મિશ, મારે તમને સીધા અને સ્પષ્ટ શબ્દોમાં એક વાત કરવી છે. હું તમને પ્રેમ કરું છું અને મારે તમારી સાથે લગ્ન કરવાં છે!’

તેઓ મારી સામે જોઈ રહ્યા. મને લાગ્યું કે તેમનાં મોટાં કાળાં ચશ્માંમાંથી અત્યારે તેઓ મને જોઈ શકે છે. સ્પષ્ટ. તેમને દેખાઈ રહ્યું છે કે આથમતી સાંજના અજવાશમાં ઘાટા રાણી કલરનો ચૂડીદાર પહેરેલી ઓગણીસ વર્ષની એક છોકરી, તાજા ધોયેલા ભીના વાળની સુગંધ લઈને, કંઈકેટલાય પ્રશ્નોને ચાના કપની ફરતે લાંબી આંગળીથી ગોળ-ગોળ ફેરવી રહી છે. તેઓ જોઈ શકે છે કે આ લાંબી પાંપણોને નીચે ઢાળીને પગના અંગૂઠાથી અગાશીને ખોતરતી તે છોકરી એક હાથે બીજા હાથના નખ પરની પોપટી રંગની નેઇલપૉલિશને ઉખાડી રહી છે.તે માત્ર નેઇલપૉલિશના પડને નહીં એની અંદર ગંઠાયેલી મૂંઝવણના પડને ઉખાડે છે. તેઓ મારી નજીક આવ્યા અને ઘીરેથી બોલ્યા, ‘વૈશાલી, મારે તને કહેવાનું ન જ હોય કે તું મને કેટલી ગમે છે, પણ મને આપણા સંબંધનું કોઈ ભવિષ્ય નથી દેખાતું.’

હું હસી પડી.

‘તને હસવું આવે છે? મને એમ કે તું તો રડી પડીશ.’

‘જુઓ ઉર્મિશ, બધા જ લોકો મને એવું કહે છે કે તમને કશું દેખાતું નથી, પણ આપણે લોકો જ્યારે સ્ટેજ પર સાથે ગાતા હોઈએ છીએ ત્યારે મારા એક્સપ્રેશન તમે અનુભવી શકો છો એ આજ સુધી કોઈ સમજી શક્યું કે જોઈ શક્યું નથી. મારા દરેક મૂડને તમે અનુભવ્યો છે જે કોઈ આંખો આજ સુધી ઉકેલી નથી શકી. તમને હું કેમ પ્રેમ કરું છું એનાં બહુબધાં કારણો મારી પાસે એટલે નથી કેમ કે કારણો આપીને વ્યવહાર થાય, પ્રેમ નહીં.તમને બધે અંધારું જ દેખાય છે, પણ મારું અજવાળું તમે છો એનું મારે શું કરવાનું? તમે નથી તો મારે મન બધું અંધારું છે.’

તેમણે પોતાનો હાથ મારા તરફ લંબાવ્યો અને તેમની આંગળીઓએ મારા વાળ શોધીને લટ હાથમાં લીધી.

‘બધાને કેવી રીતે સમજાવીશું કે મનાવીશું?’ તે હજુ પણ કશું બોલે એ પહેલાં મેં તેમનો હાથ મારા હાથમાં લીધો અને મને લાગ્યું કે જાણે મારી છાતીના સાતે દરિયા હિલોળે ચડ્યા.

‘ઉર્મિશ, કોઈને સમજાવવા અને મનાવવા જ હોય તો સૌથી પહેલાં તો તમે પોતાની જાતને જ સમજાવો. બાકીનું બધું હું તમારો હાથ પકડીને સમય આવ્યે સંભાળી લઈશ.’ મેં કહ્યું.

એક લાંબું મૌન અને સંમતિના ઊંડા શ્વાસ અમે અનુભવ્યા. એ પછી આજુબાજુ રાતના અંધારા ઊગ્યા, પણ અમારીવચ્ચે તો સંબંધની ડાળી પર અજવાશની કૂંપળ ફૂટી.

1995-’96માં અમારો સંબંધ મજબૂત થયો. હું મારી એલ. ડી. આર્ટ્સ કૉલેજથી નીકળીને તેમને મળવા ગુજરાત કૉલેજ જતી. સીધી ઉર્મિશના સ્ટાફરૂમમાં પહોંચી જતી. ચા પીવાતી અને કલાકો સુધી અમારી વચ્ચે વાતો થતી. લોકો જોઈ રહેતા કે એલ. ડી. આર્ટ્સ કૉલેજની ઓગણીસ વર્ષની છોકરી તેનાથી સાત વર્ષ મોટા ગુજરાત કૉલેજના અંગ્રેજીના પ્રોફેસરને મળવા નિયમિત બધાની નજર સામે આવે છે. આંખો ચાર થતી અને વાતો આઠ થતી, પણ મને આખી વાતમાં કશું અજુગતું કે ખોટું નહોતું લાગતું. જો આટલો બધો સંતાડવો પડે તો એ સંબંધ શું કામનો? અમારા પરિવાર સિવાય લગભગ બધે જઆ વાતની ખબર પડી ગઈ હતી. ઘણા કાર્યક્રમોમાં કે બહારગામની ટૂરમાં સાથે આવવા માટે ઉર્મિશ મ્યુઝિક ગ્રુપને ના પાડતા તો ગ્રુપવાળા ઉર્મિશને એક જ વાક્ય કહેતા, ‘ઉર્મિશભાઈ, તમારે ન આવવું હોય તો કંઈ વાંધો નહીં, અમે બીજા મેલ સિંગરને શોધી લઈએ; ફીમેલ સિંગરમાં તો વૈશાલી છે જ.’

મારું નામ સાંભળીને તરત ઉર્મિશનું મન પીગળતું, ‘શું? વૈશાલી આવવાની છે? હમ્મ… આમ તો મને ફાવશે. વાંધો નહીં, હું મૅનેજ કરી લઈશ. હું આવું છું.’ બધા લોકો આ વાતની મીઠી મજા લેતા. મારા દરેક કાર્યક્રમમાં મારા પપ્પા આવતા જ. મારે એ વખતે ખૂબ સાવચેતી રાખવી પડતી અને ઉર્મિશને પણ કહેવું પડતું કે ઉર્મિશ, મારા પપ્પા પણ આવ્યા છે; સંભાળીને વર્તજો. મારે અને ઉર્મિશે ગીતો ગાતી વખતે એક્સપ્રેશન પર પણ ધ્યાન આપવું પડતું કે ક્યાંક પપ્પાને વહેમ ન પડી જાય.

એવું નહોતું કે મને ઉર્મિશમાં બધું જ ગમતું હતું. હું તેમના ફ્લૅટ પર જતી ત્યારે જોતી કે એક ટિપિકલ છોકરાનો હોય એવો જ બૅચલર રૂમ છે. બધું ઢંગધડા વિનાનું. સૌથી મોટી ચીડ તો મને ઉર્મિશના ગોળાના ગ્લાસની. ઉર્મિશ હાથમાં ગ્લાસ પકડીને ગોળામાં બોળીને પાણી ભરતા. મને થતું કે આ રીતે તો પાણી કેમ પીવાય! હું જોઈ રહેતી. ઉર્મિશ તો કપડાં બાબતે, હેરસ્ટાઇલ બાબતે સૌથી અવ્વલ, પણ માય ગૉડ તેમનો પાણીનો ગોળો! હું જેટલીવાર જોતી એટલીવાર અકળાઈ જતી કે કેટલું ગંદું! મેં કહ્યું કે ‘ઉર્મિશ, ડોયા વિશે સાંભળ્યું તો છેને? યુઝ કરતાં શીખો.’ તે હસીને બોલ્યા હતા કે ‘તને ખબર પડતી હોય તો તું જ લઈ આપજે.’ મારો તો પહેલેથી જ એક સ્વભાવ કે બહુ લાંબું નહીં વિચારવાનું. બીજા જ દિવસે હું બપોરે સીધી પહોંચી ગુજરાત કૉલેજ. એ દિવસે લોકો મને વધારે વિચિત્ર નજરે જોતા હતા. હું સ્ટાફરૂમમાં ઉર્મિશ સુધી પહોંચી ત્યાં સુધીમાં તો બધાની આંખો ફાટી રહી, કેમકે મારા હાથમાં હતો પાણીનો ડોયો. સીધો ઉર્મિશના હાથમાં આપ્યો અને કહ્યું, ‘લો, આ પાણી ભરવાનો ડોયો. હવેથી પાણી પીઓ તો આ ડોયાથી જ પાણી ભરજો.’

એકવાર ઉર્મિશ મને કહે, ‘વૈશાલી, મને પાંઉભાજી ખાવાનું બહુ મન થયું છે.’ હું તો ભારે ઉત્સાહથી પાંઉભાજીનો સામાન લઈને ગઈ. ત્યાં પહોંચી પછી ખબર પડી કે પાંઉભાજી તો મારે બનાવવાની હતી! મને તો સરખી ચા બનાવતાં પણ નહોતી આવડતી. પછી તેઓ મને કહે, ‘એક કામ કરીએ, આપણે ખીચડી બનાવીએ. ખીચડી મને બહુ જ ભાવે.’ હું જે વાતાવરણમાં મોટી થઈ એમાં ખીચડી રોજ ખવાતી હોય એવું તો બિલકુલ નહીં. મેં ધીરેથી કહ્યું, ‘ઉર્મિશ, મને તો ખીચડી પણ બનાવતાં નથી આવડતી!’ એ પછી અમે બન્ને ક્યાંય સુધી ખડખડાટ હસી પડ્યાં. આનંદના અજવાશની છોળો અમારી વચ્ચે સતત ઊડ્યા કરતી. ઉર્મિશ મને કહેતા, ‘વૈશાલી, તને ખબર છે? હું અમદાવાદમાં આવ્યો ત્યારે ઈશ્વરે તને મારા માટે તરત મોકલી આપી હતી.’

‘હું કંઈ સમજી નહીં, ઉર્મિશ.’ મેં કહ્યું.

તેમણે કહ્યું, ‘હું જ્યારે દોઢ વર્ષનો હતો ત્યારે મારા પર કૂતરાએ હુમલો કર્યો હતો અને મારી બન્ને આંખો જતી રહી હતી. એ પછી જ્યારે હું સાત વર્ષનો હતો ત્યારે મને અમદાવાદ મોકલવામાં આવ્યો. એ સમય હતો 1977નો. તારો જન્મ પણ 1977માં થયો છે. તો એવું જ કહેવાયને કે અમદાવાદમાં હું એન્ટર થયો અને ઈશ્વરે તને મારા માટે તરત મોકલી આપી!’ ઉર્મિશની એવી વાતો સાંભળીને મારી આંખો છલકાઈ જતી. તેમના ગાલે આજે પણ કૂતરાના હુમલાની નિશાની છે. એ નિશાની પર મારી આંગળીઓ ફરતી રહે ક્યાંય સુધી.

ઉર્મિશના ઘરના લોકોએ મને સહર્ષ સ્વીકારી લીધી, પણ મારા ઘરે કહેવાની હજુ મારામાં હિંમત નહોતી આવી. હું સતત મનને તૈયાર કરતી કે હું ઘરે વાત કરું, પણ મૂંઝાતી હતી કે કઈ રીતે વાત કરીશ? એક દિવસ તો એવું થયું કે હું ઉર્મિશના ઘરે હતી અને ઉર્મિશના ઘરના નંબર પર કૉલ આવ્યો. મેં ફોન ઉપાડ્યો અને કહ્યું, ‘હલો.’

એસાથે સામેથી અવાજ આવ્યો: ‘હલો, કોણ? વૈશાલી? તું? તું ત્યાં શું કરે છે?’ મારું હૃદય ધબકારો ચૂકી ગયું. આ તો પપ્પાનો અવાજ! મેં તરત ફોન મૂકી દીધો.હું પરસેવે રેબઝેબ થઈ ગઈ અને ફટાફટ જલદી ઘરે ભાગી. આખા રસ્તે કંઈકેટલાય વિચારો મનને ઘેરી વળ્યા. મારી ફ્રેન્ડને ફોન કરીને મેં કહી દીધું કે તને મારા ઘરેથી ફોન આવે તો કહી દેજે કે હું તારા ઘરે જ હતી. ઘરે પહોંચી તો જાણે આખું ઘર મારી રાહ જોઈને ઊભું હતું.

‘વૈશુ, ક્યાં હતી તું? સાચું બોલજે.’ પપ્પાએ પૂછ્યું.

‘અરે પપ્પા, હું તો મારી ફ્રેન્ડના ઘરે જ હતી. વિશ્વાસ ન હોય તો ફોન કરીને પૂછી જુઓ.’ આટલું બોલી ત્યાં સુધીમાં હું હાંફી ગઈ હતી. મને સતત મૂંઝવણ થતી કે હું ક્યાં સુધી ઉર્મિશની વાત છુપાવી રાખીશ? મેં મારા ઘરેથી વાત છુપાવી હતી એ વાત મને સતત ખટકતી હતી.

ડિસેમ્બર 1997નો સમય હતો. ઉર્મિશની નાની બહેનનાં લગ્ન થયાં અને તેમને અમેરિકા જવાનું હતું. ઉર્મિશનાં મમ્મી બહુ જ ભોળાં અને હરખઘેલાં. તેમને એ વાત યાદ ન આવી કે વૈશાલીના ઘરે એ વાતની હજી ખબર નથી કે ઉર્મિશ અને વૈશાલી એકબીજાને પ્રેમ કરે છે. તેમણે તો ફોન કરીને મારાં મમ્મીને કહી દીધું કે ‘અમે લોકો વૈશાલીને ઍરપોર્ટ લઈ જઈએ છીએ.’ મારાં મમ્મી-પપ્પાને ખૂબ નવાઈ લાગી કે વૈશુ તો ઉર્મિશની ફ્રેન્ડ છે, પણ તેના ઘરના લોકો તેને આટલું બધું મહત્ત્વ કેમ આપી રહ્યા છે. રાત્રે ઍરપોર્ટથી પાછા આવ્યા ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. મારાં મમ્મી ઘરની બહાર મારી રાહ જોતાં હતાં. ઉર્મિશનાં મમ્મી મને મૂકવા અંદર આવ્યાં અને એ બન્ને મમ્મીઓ ભેટી પડી. મને કંઈક આશા બંધાઈ. મને એ રાતે મમ્મી-પપ્પાએ પૂછ્યું અને મેં કહી દીધું કે ‘હા, હું અને ઉર્મિશ બન્ને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમારે લગ્ન પણ કરવાં છે.’ કોઈ હિન્દી ફિલ્મને શોભે એ પ્રકારે મારા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મારા પપ્પા ઉદાસ થઈ ગયા. મમ્મી સતત રડ્યા કરે.મારા નાનાજીએ જમવાનું બંધ કરી દીધું.જોકે હું મારી વાત પર અડગ રહી. આખરે ઉર્મિશના ગુરુદેવના આશ્રમે હું મમ્મીને લઈ ગઈ. તે આવી પણ ખરી. ત્યાં આશ્રમમાં મમ્મી સ્વામીજીની સામે ખૂબ રડી. સ્વામીજીએ તેને સમજાવતાં કહ્યું, ‘જુઓ બહેન, દૃષ્ટિમાં ફેર છે. આપણને જે દેખાય છે એ દેખાતી આંખોથી પણ આપણે અંધ હોઈ શકીએ અને આપણને લાગે કે આને કશું નથી દેખાતું તો તે વ્યક્તિના હૃદયમાં રહેલી આંખોથી એ દુનિયાના બધા જ સંબંધો જોતી હોય એવું પણ બને. તમારી દીકરી ઉર્મિશની એ આંખોને કદાચ ઓળખી ગઈ છે. ઈશ્વરે જઆ જોડી નક્કી કરી હોય તો એને રોકનારા આપણે તો પામર માણસો છીએ. આ સંબંધને રોકીને ઈશ્વરના ગુનેગાર ન થશો.’

સ્વામીજીની વાતની મમ્મી પર ખૂબ અસર થઈ. મમ્મી માની ગઈ, પણ હવે ત્રણ દિવસથી જે ભૂખ્યા હતા એ નાનાજીને મનાવવા કપરા હતા. આખરે નાનાજી અને મારા માસાજીએ ઉર્મિશનો ઇન્ટરવ્યુ લેવાનું નક્કી કર્યું. ઇન્ટરવ્યુ એટલે રીતસરનો ઇન્ટરવ્યુ. દુનિયાનાં કદાચ આ પહેલાં લગ્ન હશે જેમાં છોકરા-છોકરીએ કશું જ પૂછવાનું નહોતું, પણ પરિવારના લોકો પાસે પ્રશ્નોનું લાંબું લિસ્ટ હતું. મેં ઉર્મિશને કહ્યું, ‘ઉર્મિશ, સંભાળજો. એ લોકોના પ્રશ્નો આકરા પણ હોઈ શકે.’

તેમણે હસીને જવાબ આપ્યો, ‘વૈશુ, અંધારામાં તીર મારવાની નાનપણથી આદત છે. મારે તો દરેક રસ્તા પર હંમેશાં અંધારું રહ્યું છે અને તોય દોડ્યો જ છું. દરેક વખતે ભટકાયો છું, ઠેસ વાગી છે અને ઊભો થઈને ફરી ભાગ્યો છું; પણ આ વખતે વાત અલગ છે, કેમકે તેં મારો હાથ પકડ્યો છે. એટલે એક નહીં આવનારાં સો વર્ષના અંધારા સામે લડી શકું એટલી હિંમત આવી ગઈ છે.’

હું નાનાજી અને માસાજીને ઉર્મિશના ફ્લૅટ પર લઈ ગઈ. ઇન્ટરવ્યુ ઘણો લાંબો ચાલ્યો. હું ઘરે મમ્મી સાથે બેસીને રાહ જોતી હતી. ખાસ્સા સમય પછી એ લોકો આવ્યા એટલે મમ્મીએ નાનાજી સામે જોઈને પૂછ્યું, ‘બાપુજી, કેમ લાગે છે?’

મારા નાનાજીએ માસાજીની સામે જોઈને મારા પર હાથ મૂક્યો અને મમ્મીને કહ્યું, ‘ઉર્મિશને જો આંખ હોત તો તે આપણી વૈશુને રિજેક્ટ કરત.’

મારી આંખો હર્ષથી છલકાઈ ગઈ. આજ સુધી વાર્તાઓમાં જ વાંચ્યું હતું એવાં ઘડિયાં લગ્ન અને ઘડિયાં તોરણ ગોઠવાયાં. અમારા ફ્લૅટના ડ્રૉઇંગરૂમમાં જ મારાં અને ઉર્મિશનાં લગ્ન થયાં અને ઉર્મિશે મારા ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું. અમારાં લગ્ન થયાં અને એ સમયે ઉર્મિશ રિયલિટી શો ‘મેરી આવાઝ સુનો’ના ફાઇનલ રાઉન્ડમાં હતા. જ્યાં સુધી અમારા સંબંધો પર મહોર લગાવેલી નહીં અને હું સતત ઉદાસ હતી ત્યાં સુધી ઉર્મિશ શોમાં ઉદાસ ગીતો ગાતા હતા. જેવાં અમારાં લગ્ન નક્કી થયાં અને ફાઇનલ રાઉન્ડમાં ગયા કે ઉર્મિશ નૉનસ્ટૉપ રોમૅન્ટિક સોન્ગ્સ ગાવા લાગ્યા. આજે વર્ષો વીત્યાં. અમારા સંબંધના સોનામાં સુગંધ ભળી. ઘરે અઢાર વર્ષનો દીકરો મિલાપ છે. અમે ત્રણેય સાથે બેસીને વાતો કરીએ ત્યારે મને એવું લાગે કે મારા જીવનમાં જાણે કે હવે કશું ઘટતું નથી. ઘણા લોકો માનતા હતા કે અમારો આ સંબંધ માંડ બે વર્ષ કાઢશે. અમારા આ લગ્નજીવનમાં માત્ર તકલીફો જ રહેવાની છે. આજે એ બધા લોકો ખોટા પડ્યા. આજે પાછળ ફરીને વિચારું છું અને અમારા સફળ અને સુખી લગ્નજીવન પર નજર નાખું છું અને વિચારું છું કે આ બધું કઈ રીતે શક્ય થયું. તો મને એનો એક જ જવાબ મળે છે કે અમને જાત કરતાં પણ એકબીજામાં વધારે વિશ્વાસ હતો. ગણતરી કરીને બિઝનેસમાં સફળ થવાય, સંબંધોમાં તો બિલકુલ નહીં.

આજે પણ સાંજે ચાના કપ હાથમાં લઈને હું અને ઉર્મિશ હીંચકા પર બેસીએ છીએ. હું ઉર્મિશને તેમનું ખૂબ પ્રિય ગીત સંભળાવું છું: ‘આપકી નઝરોંને સમઝા, પ્યાર કે કાબિલ મુઝે…’ હું ગાતી હોઉં ત્યારે તેઓ મારી સામે જોઈ રહે છે. મને ફરી એ જ બાલ્કનીવાળી ફીલિંગ આવે છે. હથેળીઓ ભીની-ભીની થઈ જાય છે. પોતાનાં મોટાં કાળાં ચશ્માંમાંથી આજે પણ ઉર્મિશ એ રીતે મારી સામે જુએ અને મારા વાળની લટ હાથમાં લે ત્યારે મને ફરી એવું લાગે કે ફરી પેલી આથમતી સાંજના અજવાશમાં ઘાટા રાણી કલરનો ચૂડીદાર પહેરેલી ઓગણીસ વર્ષની એક છોકરી, તાજા ધોયેલા ભીના વાળની સુગંધ લઈને, કંઈકેટલાય પ્રશ્નોને ચાના કપની ફરતે લાંબી આંગળીથી ગોળ-ગોળ ફેરવી રહી છે. તે જોઈ શકે છે કે આ લાંબી પાંપણોને નીચે ઢાળીને પગના અંગૂઠાથી અગાશીને ખોતરતી તે છોકરી એક હાથે બીજા હાથની આંગળીઓના નખ પર પોપટી રંગની નેઇલપૉલિશને ઉખાડી રહી છે.તે માત્ર નેઇલપૉલિશનાં પડ નહીં, એની અંદર ગંઠાયેલી મૂંઝવણનાં પડને ઉખાડે છે!

(તસવીરો: હાર્દિક દાફડા)

 

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.