મહેલોનું મોહક શહેર વિયેના

By સંગીતા જોશીડૉ. સુધીર શાહ

દરેક શહેરનું એક આગવું પ્રતિબિંબ હોય છે અને દરેક પ્રવાસીની દરેક શહેરમાં કંઈક ખાસ જોવાની ઇચ્છા હોય છે. પ્રવાસના શોખીનોની જે કંઈ પણ જોવાની ઇચ્છા હોય એ વિયેના પૂરી કરે છે. એટલે જ દરેક પ્રવાસીએ ઑસ્ટ્રિયાના પાટનગર વિયેના જવું જોઈએ. વિયેનાને ઘણા પ્રવાસીઓ ‘વૉલ્ટઝ’ નૃત્ય માટે વખાણે છે. તો જેઓ ‘ફૂડી’ એટલે કે ખાવાના શોખીન છે, જેમને ડાયાબિટીઝ નથી તેઓ વિયેનાની સંખ્યાબંધ કૅફેમાં મળતી પ્રેસ્ટ્રીઝ અને કેક માટે એ શહેરને વખાણે છે. આ ઉપરાંત વિયેનાની આસપાસ દ્રાક્ષના સંખ્યાબંધ બગીચાઓ આવેલા છે. ત્યાંની દ્રાક્ષમાંથી જે વાઇન બનાવવામાં આવે છે એ વિશ્વભરમાં વખણાય છે. આ કારણે મદિરાપાનના શોખીનો વિયેનાને ત્યાંનાં દારૂનાં અનેક પીઠાંઓના કારણે વખાણે છે. નાનાં બાળકો ભેગાં મળીને મોઝાર્ટની તર્જો પર જે ગીતો ગાય છે એ ‘બૉયઝ કોઇર’ માટે પણ વિયેના વખણાય છે. તો અશ્વપ્રેમીઓ વિયેનામાં આવેલી ‘સ્પૅનિશ રાઇડિંગ સ્કૂલ’ને જ એ શહેરનું એકમાત્ર જોવાલાયક સ્થળ ગણાવે છે. વિયેના ઇન્ટરનૅશનલ મુલાકાતોનું સ્થળ અને કૉન્ફરન્સ સેન્ટર પણ કહેવાય છે.

અમારા માટે વિયેના આ બધું તો છે જ, પણ આ બધાથી વધુ અમારે મન વિયેના મહેલોનું મોહક શહેર છે. યુરોપના રાજા-રાજવીઓના ભવ્ય, એક-એકથી ચડિયાતા, અત્યંત સુંદર અને જોતાં જ મન મોહી લે એવા સંખ્યાબંધ મહેલો વિયેનામાં છે.

1984માં ‘ઇન્ટરનૅશનલ બાર ઍસોસિયેશન’ની વાર્ષિક કૉન્ફરન્સ વિયેનામાં ભરાઈ હતી. સુધીરે એમાં ભાગ લીધો હતો. એ સમયે તે એક અઠવાડિયું વિયેનામાં રહ્યો હતો. કૉન્ફરન્સ વિયેનાના જગવિખ્યાત ‘હોફબર્ગ હાઉસ’માં આવેલા એક પૅલેસમાં યોજાઈ હતી. ‘હોફબર્ગ હાઉસ’ સંકુલનો વ્યાસ જ 25,83,338 સ્કવેર ફૂટનો છે! એમાં 18 જેટલા વિભાગો, 2600 ખંડો અને 54 દાદરાઓ છે! 19 ચોગાનો અને બે મોટા બાગો છે! વિશ્વમાં જેનો જોટો નથી એ સ્પૅનિશ રાઇડિંગ ‘સ્કૂલ’ પણ ત્યાં આવેલી છે. વર્ષ 2017ની શરૂઆતમાં જ અમે કરેલી લાસ વેગસની ટૂરમાં સુધીર ‘હોફબર્ગ હાઉસ’ અને સ્પૅનિશ રાઇડિંગ સ્કૂલનાં વખાણ કરતાં થાકતો નહોતો. આથી જેવા લાસ વેગસથી પાછા ફર્યા કે સંગીતાએ પ્રસ્તાવ મૂક્યો:

‘સુધીર, તું ઑસ્ટ્રિયાના વિયેનાનાં વખાણ કરતાં થાકતો જ નથી, પણ મને હજી સુધી ત્યાં લઈ નથી ગયો.’

‘કેમ? કેમ? આપણે ઑસ્ટ્રિયાના સંગીતના શહેર ‘સાલ્સબર્ગ’માં તો ગયા છીએ.’

‘હા, પણ વિયેના ક્યાં ગયા છીએ?’

‘ઓકે… ચાલ, આ મે મહિનામાં આપણે વિયેના ફરવા જઈશું. સાથે-સાથે હું તને ચેક રિપબ્લિકના પ્રાગમાં, હંગેરીના બુડાપેસ્ટમાં અને જે નવો દેશ થયો છે એ સ્લોવાકિયાના બ્રાતિસ્લાવામાં પણ લઈ જઈશ.’

‘વાહ! આ તો પાણી માગતાં તેં દૂધનો ગ્લાસ આપ્યો.’

જે ‘વાહ’ ઉદ્ગાર સંગીતાએ એ સમયે કર્યો હતો એ ઉદ્ગાર તેણે વિયેના પહોંચતાં વારંવાર કર્યો. અનુભવી સુધીરે વિયેનામાં ‘હોફબર્ગ હાઉસ’થી બે મિનિટના જ અંતરે આવેલી હોટેલમાં રહેવાનું ગોઠવ્યું હતું. આથી ઍરપોર્ટથી જેવી ટૅક્સી હોટેલ પર આવી અને ટૅક્સીમાંથી ઊતર્યા કે સંગીતાએ સામે જ ઊભેલા ‘હોફબર્ગ હાઉસ’નું તોતિંગ પ્રવેશદ્વાર અને એની બન્ને બાજુએ મૂકવામાં આવેલાંં જાયન્ટ સાઇઝનાં પૂતળાં જોઈને કહ્યું, ‘વાહ…’

‘સંગી, તું હવે આ આશ્ચર્યનો ઉદ્ગાર કાઢવાનું બંધ કર.’

‘કેમ? કેમ?’

‘અરે, આ શહેરમાં તને ડગલે ને પગલે અદ્ભુુત, અત્યંત રમણીય મકાનો, શિલ્પો અને અન્ય ચીજવસ્તુઓ જોવા મળશે. આ શહેરના લોકો પણ સાંજના તેમનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ફરવા નીકળે છે. તું જો એ બધાને જ જોતાં-જોતાં વાહ… વાહ કર્યા કરશે તો તારું મોઢું દુખી જશે. એટલે હવેથી સુંદરતાના જામ પીવા માંડ અને એ રસના ઓડકાર ખાવાનું બંધ કર.’

157 સ્કવેર માઇલનો વિસ્તાર ધરાવતું, ઑસ્ટ્રિયાનું જ નહીં સમગ્ર યુરોપનું અત્યંત સુંદર શહેર વિયેના સમુદ્રની સપાટીથી 547 ફૂટ ઊંચે છે. એની વસતિ લગભગ 17 લાખ જેટલી છે. ભૌગોલિક રીતે વિયેના ચેક રિપબ્લિકની સરહદથી ફકત 24 માઇલના અંતરે અને હંગેરીની સરહદથી 38 માઇલના અંતરે આવેલું છે. આ શહેરમાં સંખ્યાબંધ અદ્ભુત અને અવર્ણનીય મહેલો, મકાનો અને શિલ્પો ઉપરાંત ઇન્ટરનૅશનલ ઍટમિક એનર્જી એજન્સી તેમ જ યુનાઇટેડ નેશન્સ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ ઑર્ગેનાઇઝેશનનાં મકાનો પણ જોવાલાયક છે.

સેન સ્ટીફન કૅથીડ્રલ વિયેનાનું લૅન્ડમાર્ક ગણાય છે. 12મી સદીમાં આજે એ જ્યાં ઊભું છે ત્યાં એક રોમન ઢબનું ચર્ચ બાંધવામાં આવ્યું હતું. એને સેન સ્ટીફનને અર્પણ કરવામાં આવ્યું હતું. ઈ.સ. 1263માં એનો ર્જીણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને ઈ. સ. 1304માં એને વિસ્તૃત કરીને ગોથીક ઢબથી બાંધવામાં આવ્યું હતું. ઈ. સ. 1359માં આ ચર્ચનો 137 મીટર ઊંચો ટાવર બાંધવાની શરૂઆત થઈ હતી. ઈ. સ. 1433માં એ બંધાઈ રહ્યો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સેન સ્ટીફન કૅથીડ્રલને ઘણું નુકસાન પહોંચ્યું હતું, પણ ઑસ્ટ્રિયન લોકોએ એને ફરી પાછું હતું એવું ઊભું કરી દીધું! ચર્ચની ઉત્તરમાં આવેલા આ ટાવરમાં લિફ્ટ દ્વારા તમે છેક ઊંચે જઈ શકો છો અને ત્યાંથી આખા શહેરને નિહાળી શકો છો. નૉર્થ ટાવર પરથી દૂર વહેતી ડેન્યુબ નદીના શાંત જળને જોવાની મજા કંઈક ઓર જ છે. જેઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે તેમને તો તેમનું આ ધાર્મિક સ્થળ આકર્ષે જ છે, પણ અન્ય ધર્મીઓને પણ સેન સ્ટીફન કૅથીડ્રલની મોહક બાંધણી અને અંદર મૂકવામાં આવેલાં પેઇન્ટિંગ્સો તેમ જ શિલ્પો જોવા ખૂબ જ ગમે છે. વિયેનાનું સેન સ્ટીફન કૅથીડ્રલ જોવું જ રહ્યું.

વિયેના જાઓ અને ત્યાંનું ‘સ્ટેટ ઑપેરા હાઉસ’ ન જુઓ તો તમારી ગણના સંગીતના દુશ્મન ઔરંગઝેબ સાથે કરવામાં આવશે. ફક્ત બે માળનું અને ઉપર ગોળ ઘુમ્મટ ધરાવતું ‘વિયેના સ્ટેટ ઑપેરા હાઉસ’ બહારથી જેટલું ભવ્ય છે એટલું જ અંદરથી પણ શાનદાર છે. એના પાંચ પ્રવેશદ્વારોની ઉપર પહેલે માળે આવેલી પાંચ બાલ્કનીઓમાં મુકાયેલ પાંચ શિલ્પો આ મકાનની સુંદરતાને વધુ ભવ્યતા બક્ષે છે. ઉપર બીજા માળે આવેલી અગાસીમાં વધુ બે ભવ્ય પૂતળાં આ સ્ટેટ ઑપેરા હાઉસને અત્યંત આકર્ષક બનાવે છે. વર્ષો પહેલાં આ શહેરના લોકો ઑપેરા જોવામાં કેટલો રસ ધરાવતા હતા અને તેઓ કેટલા શોખીન હતા એ આ સ્ટેટ ઑપેરા હાઉસને અંદરથી જોતાં જણાઈ આવે છે. આ થિયેટરની બહારની તેમ જ અંદરની રચના એવી છે કે જોતાં જ એવું લાગે કે આ કોઈ સામાન્ય લોકો માટેનું સામાન્ય મકાન નથી.

હજી આજે પણ આ ઑપેરા હાઉસમાં ઑપેરા જોવા આવતા ઑસ્ટ્રિયનો તેમનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને જ આવે છે. દર વર્ષે એક સમારંભ આ ઑપેરામાં યોજાય છે, જેમાં લોકો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને મોઝાર્ટ, બિથોવન અને સ્ટ્રોસની તરજો પર વૉલ્ટઝ નૃત્ય કરે છે. વૉલ્ટઝ એ યુરોપિયન નૃત્યનો એક ખાસ પ્રકાર છે. એમાં સ્ત્રી અને પુરુષ સંગીતના તાલે હળવેથી સરકે છે અને ગોળ-ગોળ ફરે છે. બૉલરૂમ ડાન્સિંગનો આ એક ખૂબ જ લોકપ્રિય પ્રકાર છે. વિયેનામાં આવેલાં ગાર્ડનોમાં સાંજના લોકોના મનોરંજન ખાતર વાદ્યકારો એ દેશના સંગીતકારોની, તરજો વગાડીને ત્યાં આવતા સહેલાણીઓની સાંજ રોમાંચક બનાવી દે છે. ઑસ્ટ્રિયનો એ સંગીતના સૂરો પર ત્યાં વૉલ્ટઝ નૃત્ય કરે છે.

સુધીર 1984માં વિયેના ગયો હતો ત્યારે એક સાંજના ગાર્ડનમાં ફરવા ગયો હતો. એક બાંકડા પર બેઠા-બેઠા ત્યાં વાગતું સંગીત સાંભળતો હતો. થોડી વાર થઈ અને ઑસ્ટ્રિયાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરેલી યુવતી તેની પાસે આવી અને તેણે સુધીરને પ્રશ્ન કર્યો: ‘તમે ડાન્સ કેમ નથી કરતા?’ અચાનક એક અજાણી યુવતીએ આવો સવાલ પૂછતાં સુધીર થોડો ડઘાઈ ગયો. પછી તેણે કહ્યું, ‘કોની સાથે કરું? હું ઇન્ડિયાથી અહીં કૉન્ફરન્સમાં એકલો આવ્યો છું અને મને તમારું આ વૉલ્ટઝ નૃત્ય નથી આવડતું.’

તે સુંદર યુવતીએ જવાબમાં કહ્યું: ‘કંઈ વાંધો નહીં. મારી સાથે નૃત્ય કરો. હું તમને, અમારો દેશ જેના માટે વખણાય છે એ વૉલ્ટઝ ડાન્સ શીખવીશ.’

એ પછી વૉલ્ટઝ શીખતાં-શીખતાં સુધીરે તે યુવતીના પગ નહીં-નહીં તોય પાંચ-છ વાર કચડ્યા હશે. આ પ્રસંગ આટલાં વર્ષો પછી પણ સુધીર ભૂલ્યો નથી. જિંદગીમાં અમુક પ્રસંગો યાદગાર બની જતા હોય છે.

ઈ. સ. 1861માં જેના બાંધકામની શરૂઆત થઈ હતી એ વિયેનાના સ્ટેટ ઑપેરાને બાંધતાં આઠ વર્ષ લાગ્યાં હતાં. બીજા વિશ્વયુદ્ધમાં વિયેનાનાં અન્ય બિલ્ડિંગોની સાથે-સાથે વિયેના સ્ટેટ ઑપેરાને પણ ઘણું નુકસાન થયું હતું. સંગીતપ્રેમી ઑસ્ટ્રિયન લોકોએ એને ફરી પાછું હતું એવું ઊભું કરી દીધું હતું.

‘સુધીર, મારા મત પ્રમાણે આ શહેરમાં વિયેના સ્ટેટ ઑપેરા હાઉસથી વધુ સુંદર બિલ્ડિંગ બીજું કોઈ નહીં હોય.’ વિયેનાના વસવાટના બીજા દિવસે જ ત્યાંના સ્ટેટ ઑપેરામાં એક સુંદર ઑપેરા જોઈને બહાર નીકળતાં-નીકળતાં સંગીતાએ તેનો અભિપ્રાય કહ્યો.

‘સંગી, આ ઑપેરા હાઉસની ગણના વિશ્વનાં શ્રેષ્ઠ ઑપેરા હાઉસોમાં કરવામાં આવે છે.’

‘આપણું મુંબઈનું, હાલમાં જ રિનોવેટ થયેલું ઑપેરા હાઉસ પણ સુંદર છે પણ વિયેનાના ઑપેરા હાઉસની જોડે એની સરખામણી ન કરી શકાય. મુંબઈનું ઑપેરા હાઉસ વિયેનાના સ્ટેટ ઑપેરા હાઉસ કરતાં ઘણું નાનું છે.’

‘સંગીતા, આ શહેરમાં આવાં જ આકર્ષક અસંખ્ય મકાનો છે.’

સુધીરનું આ વિધાન સત્ય હોવાની ખાતરી સંગીતાને વિયેનામાં ટોડેસ્કો પૅલેસ, ટ્રેડ ફેર પૅલેસ, રઓસ્પર્ગ પૅલેસ, પૅલેસ ઓફ પ્રિન્સ હ્યુજીસ ઑફ સેવોય, પાલ્ફી પૅલેસ, પાલાવીસીની પૅલેસ અને અન્ય મકાનો જોતાં થઈ. ‘હોફબર્ગ હાઉસ’ના મુખ્ય દરવાજાથી થોડા જ અંતરે ‘જોસેફ સ્ક્વેર’ જોતાં તો સંગીતા આભી જ બની ગઈ.

‘સંગીતા, આર્કિટેક્ચરની દૃષ્ટિથી આ સ્ક્વેર જેની ઉપર એમ્પરર ફ્રાન્સિસી જોસેફનું ઘોડા પર સવાર થયેલું પૂતળું મૂકવામાં આવ્યું છે એ વિયેનાનું સૌથી સુંદર સ્ક્વેર છે.’

‘સુધીર, યાદ છે આપણે ત્યાં પણ જહાંગીર આર્ટ ગૅલેરીની સામે એક સમયે કિંગ જ્યૉર્જનું ઘોડા પર સવાર થયેલું આના જેવું જ પૂતળું હતું?’

‘હા, અને એ પૂતળું ભલે ત્યાંથી વર્ષો પહેલાં ખસેડવામાં આવ્યું હોય પણ હજી આજે પણ લોકો એ જગ્યાને ‘કાલા ઘોડા’ તરીકે જ ઓળખે છે.’

‘હા, સુંદરતાનાં ચિહ્નો એમ કંઈ એને ખસેડી મૂકવાથી લોકો વીસરી નથી જતા. પણ આ તું મને ક્યાં લઈ જાય છે?’

સુધીર સંગીતાને જોસેફ સ્ક્વેર પર ‘નૅશનલ લાઇબ્રેરી’ના બિલ્ડિંગમાં દોરી ગયો અને ફરી એક વાર સંગીતા આભી બની ગઈ.

વિયેનાની 1737માં બંધાયેલી નૅશનલ લાઇબ્રેરીએ કોઈ સામાન્ય વાંચનાલય નથી. એના મકાનની બાંધણી તો સુંદર છે જ; પણ અંદર પ્રવેશતાં તમને એવું લાગે છે કે તમે કોઈ મ્યુઝિયમમાં પ્રવેશ્યા છો, વાંચનાલયમાં નહીં. આ લાઇબ્રેરીમાં વીસ લાખથી વધુ પુસ્તકો, દસ્તાવેજો અને નકશા છે. અહીંનો જે ગ્રૅન્ડ હૉલ છે એ જોતાં જ જોનારાને એ કોઈ રાજમહેલમાં હોય એવી ભ્રાંતિ થાય છે. આ લાઇબ્રેરીમાં સંખ્યાબંધ મોટા-મોટા ખંડો છે જે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમ જ બૉલરૂમ તરીકે વપરાય છે.

વિયેનામાં અમારા ચાર દિવસના ટૂંકા વસવાટમાં અમે આખી જિંદગી સુધી વાગોળ્યા કરીએ, એના વિશે વિચાર્યા કરીએ, વાતો કર્યા કરીએ, વખાણ્યા કર્યાં કરીએ એવા મહેલો જોયા, અદ્ભુત મકાનો જોયાં, ચર્ચો જોયાં, શિલ્પો જોયાં, ચોતરાઓ જોયાં, બગીચાઓ જોયાં, મ્યુઝિયમ જોયાં. એમ કહોને કે બસ ચાર દિવસ બીજું કંઈ ન કરતાં સ્વર્ગમાં વિહર્યા.

ઈ.સ. 1874થી 1886 દરમિયાન બંધાયેલા ‘હોફબર્ગ હાઉસ’ની અંદરના એક ચોગાનમાં મુકાયેલા ‘માર્યા થેરેસા મેમોરિયલ’ને અમે જોયું અને ત્યાંથી ખસવાનું મન જ ન થયું. આટલું સુંદર મેમોરિયલ બનાવવાની કલ્પના કરવી એ પણ એક બહુ મોટી વાત ગણાય. કળાનો ઉપાસક હોય, જેની રગેરગમાં, નસેનસમાં સુંદરતા જ વહેતી હોય, જેનાં સપ્નાં સુંદર જ હોય એવી જ વ્યક્તિ આવું મેમોરિયલ રચવાની કલ્પના કરી શકે. લગભગ દસ ફૂટ ઊંચા પથ્થરના પેડેસ્ટલ પર ચાર ખૂણામાં ચાર ઘોડા પર સવાર થયેલા અફસરો, એમની મધ્યમાં ઊભું કરેલું એક બીજું પંદર-વીસ ફૂટ ઊંચું, ચારે ખૂણામાં બબ્બે થાંભલા ધરાવતું બાંધકામ, એના પર સિંહાસન પર બિરાજેલી ઑસ્ટ્રિયાની મહારાણી. આ ઉપરાંત ઠેર-ઠેર નાનાં-મોટાં સ્ત્રી-પુરુષોનાં શિલ્પો અને એ સર્વે આબેહૂબ જીવંત જણાય એવાં અદ્ભુત!

અમને બન્નેને એવું લાગ્યું કે ‘માર્યા થેરેસા મેમોરિયલ’ વિશ્વની ઉત્તમોત્તમ કળાકૃતિ છે.

આ મેમોરિયલની ડાબી બાજુએ ‘મ્યુઝિયમ ઑફ ફાઇન આર્ટ્સ’ છે. મેમોરિયલનાં આટલાં વખાણ કર્યાં એટલે એ મ્યુઝિયમની અંદર મુકાયેલાં શિલ્પો, પેઇન્ટિંગ્સ, એનાં વખાણ કેવી રીતે કરવાં એ પ્રશ્ન અમને મૂંઝવે છે. મ્યુઝિયમમાં રેમબ્રૅન્ડનું ‘યંગ મૅન રીડિંગ’ અને રૂબેન્સનું ‘ધ હિલ્ડેફોન્સે અલ્ટાર’ જેવાં બે અદ્ભુત પેઇન્ટિંગ્સ જોઈને અમે ધન્ય થઈ ગયાં.

ગ્રીક સ્ટાઇલમાં 1874થી 1883 દરમિયાન બંધાયેલું ‘પાર્લામેન્ટ બિલ્ડિંગ’, 1872માં બંધાયેલું ‘સિટી હૉલ’નું મકાન, એ જ અરસામાં બંધાયેલું ‘યુનિવર્સિટી’નું મકાન અને ‘વોટીવી ચર્ચ’ના બે મિનારા જોઈને અમે અંજાઈ ગયા. અમે બન્નેએ યુરોપના અન્ય દેશો, એમાં પણ ખાસ કરીને પૅરિસ અને રોમની અનેક વાર મુલાકાત લીધી છે. આપણામાં એવી માન્યતા છે કે પૅરિસ એટલે સુંદરતાનો ખજાનો અને રોમ એટલે પ્રાચીન બાંધકામોનો અદ્ભુત દેશ. પૅરિસ અને રોમ એ બેઉ શહેરો ખરેખર સુંદર છે; પણ અમારા મતે વિયેનાનાં મહેલો, મકાનો, શિલ્પો, બગીચાઓ, ચોગાનો, અતિ સુંદર છે. અહીંના બગીચાઓમાં ઠેર-ઠેર પ્રખ્યાત વ્યક્તિઓનાં પૂતળાંઓ મૂકવામાં આવ્યાં છે. આમાં તમે ‘વૉલ્ટઝના રાજા’ સ્ટ્રોસનું મૂકવામાં આવેલું પૂતળું જોશો તો એ પૂતળું અને એની આજુબાજુ સ્ત્રીઓના જે સુંદર શિલ્પો છે એ તમને સંગીતની દુનિયામાં ખેંચી જશે.

વર્ષ 1964માં વિયેનામાં ‘ઇન્ટરનૅશનલ હૉર્ટિકલ્ચરલ એક્પોઝિશન’ યોજાયું હતું. એ સમયે આ શહેરમાં 247 એકરનો ‘ડેન્યુબ પાર્ક’ બાંધવામાં આવ્યો હતો. એ પાર્કમાં 827 ફૂટ ઊંચો ડેન્યુબ ટાવર પણ બાંધવામાં આવ્યો હતો. લિફ્ટ વડે એ ટાવરની ઉપર આવેલી રેસ્ટોરાંમાં પહોંચી ત્યાં બેઠાં-બેઠાં અમે કેપુચીનોની ચુસકી મારતાં-મારતાં વિયેના શહેરની સુંદરતાનું વિહંગાવલોકન કર્યું અને મનોમન નક્કી કર્યું કે ખૂબ જ જલદી ફરી પાછા આ શહેરની સુંદરતા માણવા આવીશું. વિક્ટોરિયામાં બેસીને ‘હોફબર્ગ હાઉસ’ના ચોગાનમાં રાઉન્ડ મારીશું. સ્પૅનિશ રાઇડિંગ સ્કૂલના ઊજળા-સફેદ ઘોડાઓને મોઝાર્ટ, બિથોવન અને સ્ટ્રોસની તરજો પર ડાન્સ કરતા જોઈશું. વિયેના સ્ટેટ ઑપેરામાં ફરી એક વાર ‘સ્વાનલેક’ યા ‘સિન્ડ્રેલા’ કે પછી કોઈ ઑસ્ટ્રિયન ઑપેરા જોઈશું. આ શહેરના રસ્તાઓ પર બેસીને વાયોલિન વગાડતા વાદ્યકારોને સાંભળીશું. અહીંની માર્કેટમાં ફરીશું અને મહેલોના મોહક શહેર વિયેનાની સુંદરતામાં જાતને ડુબાડી દઈશું.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.