મોટો સવાલ : તો રાજસ્થાનના વિદ્યાર્થીઓ પાઠ્યપુસ્તકમાં રાણી પદ્મિની વિશે શું ભણી રહ્યાં છે?

સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘પદ્માવતી’ના વિરોધમાં રોજે રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે, ત્યારે રાજસ્થાન રાજ્યનું ઈતિહાસનું પાઠ્યપુસ્તક પણ આ વિવાદની ઝપેટમાં આવી ગયું છે. રાજસ્થાનના શિક્ષણ બોર્ડના ધોરણ-12ના ઇતિહાસના પાઠ્યપુસ્તકમાં જ આપેલી વિગત પ્રમાણે મુસ્લિમ શાસક અલાઉદ્દીન ખીલજીએ પોતાનું સામ્રાજ્ય વધારવા માટે નહીં, બલકે રાજપૂત રાણી પદ્મિનીને હાંસલ કરવા માટે ચિત્તોડ પર ચઢાઈ કરી હતી.

રાજસ્થાન સરકાર ભણસાલી પર ફિલ્મમાં ઐતિહાસિક તથ્યો સાથે ચેડાં કરવાનો આરોપ મૂકે છે ત્યારે સરકારના પાઠ્યપુસ્તકમાં અને પ્રવાસન વિભાગના લખાણોમાં હિંદુ રાણી પદ્મિની વિશે શું ફિલ્મમાં જેવું વર્ણન છે તેવું જ લખાયું છે?

શું છે પાઠ્યપુસ્તકનું લખાણ?

રાજસ્થાનના ધોરણ-12ના ઇતિહાસ (હિન્દી ભાષામાં)ના પાઠ્યપુસ્તકના ચોથા પ્રકરણનું નામ છે, ‘મુઘલ આક્રમણઃ પ્રકાર ઔર પ્રભાવ’. આ પ્રકરણની વિગતો મલિક મુહમ્મદ જાયસીએ તેમની કૃતિ ‘પદ્માવત’માં રાવલ રતન સિંહ, ઇ.સ. 1302થી 1303 સુધીના એક વર્ષના તેમના શાસનકાળ અને તેમનાં પત્ની રાણી પદ્મિનીની કથા વર્ણવી છે. આ કૃતિ જાયસીએ 16મી સદીમાં રચી હતી, જેનો આધાર લઈને પાઠ્યપુસ્તકમાં નીચેની ત્રણ હકીકતો રજૂ કરાઈ છે.

1. અલાઉદ્દીન ખીલજીએ રાણી પદ્મિનીને મેળવવા માટે ચિત્તોડ પર આક્રમણ કર્યું હતું.

2. દર્પણમાં પદ્મિનીનું પ્રતિબિંબ જોઈને ખીલજી રાણી પર મોહિત થઈ ગયો હતો.

3. અને, રાણી પદ્મિની શ્રીલંકા (તત્કાલિન સિંહલ)ના રાજા ગંધર્વસેનની પુત્રી હતી.

‘પદ્માવતી’નો વિરોધ કરતા લોકોને આ ત્રણ મુદ્દા સામે વાંધો છે, પરંતુ આ ત્રણેય મુદ્દા સામે વાંધો હોય તો પાઠ્યપુસ્તકો અત્યાર સુધી ભણાવાતા કેમ હતા?

ટૂંકમાં, ‘પદ્માવતી’ વિશે રાજસ્થાનના બચ્ચે બચ્ચાને અત્યારે પણ આવો જ ઈતિહાસ ભણાવાય છે. તો ફિલ્મનો વિરોધ કેમ? એક જ લીટીમાં જવાબ આપવો હોય તો પણ તેના પર સવાલ એ થાય કે, શું આપણા દેશમાં ‘ફિલ્મ ઈન્ડસ્ટ્રી’ સોફ્ટ ટાર્ગેટ છે?

રાણી પદ્મિનીના મહેલની તકતી અને ટુરિઝમ વેબસાઈટના લખાણો પણ વિરોધાભાસી!

‘પદ્માવતી’ ફિલ્મના દૃશ્યો રાજસ્થાનના પાઠ્યપુસ્તકો અને પ્રવાસન વિભાગ સાથે બિલકુલ બંધ બેસે છે એ તો બરાબર. પણ ટ્રેજેડી એ છે કે, રાણી પદ્મિનીના મહેલની તક્તી અને રાજસ્થાન ટુરિઝમની વેબસાઈટ પરના લખાણો પણ વિરોધાભાસી છે.

Rani Padmini's Palace - Chittorgarh
Pic : Rajasthan Tourism Website

ચિત્તોડગઢના કિલ્લામાં રાણી પદ્મિનીના મહેલની બહારની તકતી પર લખેલું છે કે, ‘અહીં રાણા રતન સિંહે તેમનાં પત્ની રાણી પદ્મિનીનું અરીસામાં પડતું પ્રતિબિંબ અલાઉદ્દીન ખીલજીને બતાવ્યું હતું. એ પછી જ ખીલજીએ રાણીને પામવા ચિત્તોડ પર ચડાઈ કરી હતી.’

Pic : Rajasthan Tourism Website

બીજી તરફ, રાજસ્થાન ટુરિઝમની ચિત્તોડગઢ વિશેની વેબસાઈટ અનુસાર ખીલજીએ હોજમાં પદ્મિનીનું .પ્રતિબિંબ જોયું હતું અને રાણીના સૌંદર્યથી અંજાઈને તેને પામવા માટે મરણિયો બન્યો હતો.

તો પછી આક્રમક વિરોધ કેમ થઈ રહ્યો છે?

રાજપૂત કરણી સેના અને અન્ય સંગઠનોએ ફિલ્મમાં ‘રાણી પદ્મિની’ના કરવામાં આવેલા વર્ણન અને પદ્મિની અને ખીલજી વચ્ચેના કથિત પ્રણયદ્રશ્યો સામે વાંધો છે. કરણી સેનાનું માનવું છે કે, ખીલજી અરીસામાં પદ્મિનીનું પ્રતિબિંબ જુએ તે દ્રશ્યથી રાજપૂત સમુદાયની મહિલાઓના ગૌરવને ઠેસ પહોંચે છે.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.