દુનિયાના સૌથી વધુ ધનિક બિલ ગેટ્સનું ઘર કેવું છે?

રાજીવ પંડિત

ભારતમાં લૅવિશ ઘરોની વાત નીકળે એટલે લોકોને સૌથી પહેલાં ‘ઍન્ટિલિયા’ યાદ આવે છે. રિલાયન્સના કર્તાહર્તા મુકેશ અંબાણીનું નિવાસસ્થાન ‘ઍન્ટિલિયા’ ભારતીય દૃષ્ટિકોણથી યુનિક છે. કમસે કમ ભારતમાં તો આ પ્રકારનાં બહુ ઓછાં ઘરો જોવા મળે. ‘ઍન્ટિલિયા’ મોંઘું પણ પુષ્કળ છે. ઇંગ્લૅન્ડનો શાહી પરિવાર જ્યાં રહે છે એ બકિંગહૅમ પૅલેસ પછી ‘ઍન્ટિલિયા’ દુનિયાનું સૌથી મોંઘું ઘર મનાય છે. આ ઘર બનાવવા પાછળ અંબાણીએ 2 અબજ ડૉલર ખર્ચ્યા હોવાનું કહેવાય છે. રૂપિયામાં ગણવા બેસો તો લગભગ 13,000 કરોડ થાય. આટલા રૂપિયામાં તો આપણે ત્યાં એક લાખની વસ્તી વસી શકે એવું એકાદ નાનું નવું નગર વસી જાય. મુકેશભાઈ જેવા માલેતુજારને જઘર પાછળ આટલો ખર્ચ કરવાનું પરવડે. મુકેશભાઈ હવે તો ભારતમાં જ નહીં પણ એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ છે ત્યારે તેમના માટે આ રકમ ચણામમરા જેવી કહેવાય.

આ બધું વાંચ્યા પછી એવું લાગતું હોય કે ફરી આ ‘ઍન્ટિલિયા’ની પારાયણ મંડાવાની છે તો એ ડર કાઢી નાખજો.‘ઍન્ટિલિયા’ વિશે બહુ લખાઈ ગયું છે ને એના વિશે વાત નથી કરતા. પણ ‘ઍન્ટિલિયા’ જેવા જ બીજા એક યુનિક ઘરની વાત કરવી છે.

આ વાત માંડતાં પહેલાં એક સવાલ.

મુકેશ અંબાણી ભારતમાં સૌથી ધનિક વ્યક્તિ છે ને તેમનું ઘર આખો દેશ અંજાઈ જાય એવું હોય તો દુનિયાની સૌથી ધનિક વ્યક્તિનું ઘર કેવું હોય? સ્વાભાવિક રીતે જ એવો જ જવાબ જીભે આવે કે મુકેશ અંબાણીના ઘર કરતાં મોંઘું જ હોય, પણ એવું નથી.

બિલ ગેટ્સ દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ છે. બિલ ગેટ્સની કુલ સંપત્તિ 82 અબજ ડૉલર એટલે કે લગભગ 5.40 લાખ કરોડ રૂપિયા છે. બિલ ગેટ્સ મુકેશ અંબાણી કરતાં ત્રણગણી સંપત્તિના માલિક છે. અબજો રૂપિયાની સંપત્તિ દાનમાં આપ્યા પછી તેમની પાસે વધેલી આ સંપત્તિ છે. આટલી બધી સંપત્તિ હોવા છતાં બિલ ગેટ્સ જ્યાં રહે છે એે ઘરની કિંમત શું છે ખબર છે?

માત્ર 15 કરોડ ડૉલર.

મતલબ કે 1000 કરોડ રૂપિયાની આસપાસ.

બહુ ‘સસ્તું’ ઘર કહેવાય ને!

આવો જાણીએ બિલ ગેટ્સના આ ‘સસ્તાં’ઘર વિશે.

***

બિલ ગેટ્સનું ઘર અમેરિકાના વૉશિંગ્ટન રાજ્યના મેડિનામાં છે.તમને જાણીને આંચકો લાગશે પણ મેડિનાની વસ્તી કેટલી છે ખબર છે? માત્ર 2969. મેડિનામાં લેક વૉશિંગ્ટન નામે વિશાળ સરોવર છે. આ સરોવરના કાંઠે 66,000 ચોરસ ફૂટ એટલે કે 6,100 ચોરસ મીટરમાં બિલનું ઘર ફેલાયેલું છે. પૅસિફિક લૉજ સ્ટાઇલનું આ ઘર ડિઝાઇન તો બોહલિન સિવિન્સ્કી જૅક્સન અને કલ્ટર-એન્ટરસન આર્કિટેક્ટ્સે કર્યું પણ એની પાછળનું ભેજું બિલ ગેટ્સનું છે.  અને બિલ ગેટ્સના ઘરનું નામ છે, ‘ઝેનેડ્યુ 2.0’ (‘ઝેનેડ્યુ ટુ પૉઇન્ટ ઝીરો’).

વિચિત્ર નામ છે ને?  બિલે પોતાના ઘરનું આવું નામ કેમ રાખ્યું ?

સવાલ ઇન્ટરેસ્ટિંગ લાગે કે ન લાગે, આ નામ રાખવા પાછળની સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે.

***

હૉલીવુડની કલ્ટ ક્લાસિક ફિલ્મોમાં એક ફિલ્મ છે ‘સિટિઝન કેન’.

‘સિટિઝન કેન’ 1941માં રિલીઝ થયેલી ને ઑસ્કર ઍવૉર્ડ્સ માટે 9 કૅટેગરીમાં નૉમિનેટ થયેલી. ઓર્સોન વેલ્સની આ ફિલ્મમાં ટાઇટલ કૅરૅક્ટર હતું ચાર્લ્સ ફોસ્ટર કેનનું. ‘સિટિઝન કેન’ સસ્પેન્સ ફિલ્મ હતી ને ચાર્લ્સ ફોસ્ટર કેનનું પાત્ર અમેરિકાના એ વખતના ત્રણ પાવરફુલ લોકોનું મિશ્રણ કરીને બનાવાયેલું.

એક હતો અમેરિકન ન્યુઝપેપર કિંગ વિલિયમ રેન્ડોલ્ફ હર્સ્ટ. અમેરિકામાં યલો જર્નલિઝમ એટલે કે બ્લૅકમેઇલિંગ કરીને ધાક ઊભી કરનારા હર્સ્ટની જિંદગી બહુ દિલચસ્પ છે. બીજી વ્યક્તિ છે શિકાગોનો બિઝનેસમૅન સૅમ્યુઅલ ઇન્સુલ્લ. અમેરિકામાં ઇલેક્ટ્રિસિટીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ માણસે ઊભું કરેલું. ત્રીજી વ્યક્તિ છે શિકાગોનો બિઝનેસમૅન હેન્રી ફ્લાવર મૅક્કોર્મિક. હેન્રીપોતાની પત્ની ગાન્ના વાલ્સ્કાના કારણે વધારે પ્રખ્યાત થયો. ગાન્ના પોલૅન્ડની હતી ને ઑપેરા સિંગર હતી.મૅક્કોર્મિકે લેવિશ લાઇફ જીવતો ને તેણે ગાન્નાની કરીઅરને પ્રમોટ કરવા જે કંઈ કર્યું એમાંથી આ ફિલ્મમાં પ્રેરણા લેવાયેલી.

આ ત્રણેય વિચિત્ર પાત્રોના મિશ્રણ સમો ચાર્લ્સ ફોસ્ટર કેન ‘ઝેનેડ્યુ’ નામના શહેરમાં રહે છે. આ આખું શહેર કેનનું છે.આ શહેર ફ્લૉરિડામાં ગલ્ફ કોસ્ટ પર રણમાં આવેલા એક ખાનગી પર્વત પર ઊભું કરાયું છે ને દુનિયામાં સૌથી મોટી ખાનગી માલિકીની સંપત્તિ છે.

‘ઝેનેડ્યુ’ વિશે જેટલી વાતો કરીશું એટલી ઓછી પડશે ને મૂળ વાત રહી જશે. મૂળ વાત બિલ ગેટ્સના ઘર ‘ઝેનેડ્યુ 2.0’ની કરવી છે ને આ યુનિક ઘર વિશે સાંભળશો તો તમે ચોકક્સ છક થઈ જશો.

***

બિલ ગેટ્સનું ઘર યુનિક છે અને દુનિયામાં આ પ્રકારનાં બહુ ઓછાં ઘરો જોવા મળે. બિલ ગેટ્સ ટેક્નૉલૉજી ઝાર છે ને ઇન્ટેલેકચ્યુઅલ પણ છે. તેમનું ઘર ટેકનૉલૉજી અને ઇન્ટેલેક્ચ્યુઅલિટીનો સંગમ છે.બીજા બધા ધનિકોનાં ઘરોમાં જોવા મળતી સગવડો બહુ કૉમન હોય છે. હોમ થિયેટર, જિમ્નેશિયમ, મોટાં પાર્કિંગ, સ્વિમિંગ-પૂલ એવી એકદમ કૉમન કહેવાય એવી સગવડો આ ધનિકોનાં ઘરોમાં હોય છે.

બિલ ગેટ્સના ઘરમાં આ બધી સવલતો છે, પણ એના કરતાં વધારે મહત્ત્વની બાબત ટેકનૉલૉજીનો અદ્ભુત ઉપયોગ છે. તમે ‘ઝેનેડ્યુ 2.0’માં પ્રવેશો એટલે તમે બિલ ગેટ્સના ઘરમાં પ્રવેશતા હો એવો અહેસાસ થાય જ. બિલ ગેટ્સની ટેકનૉલૉજીમાં નિપુણતાની અસર વર્તાય જ. એકદમ અલગ અંદાજ, એકદમ અલગ સવલતો અને એકદમ અલગ માહોલ.

‘ઝેનેડ્યુ 2.0’માં સૌથી અફલાતૂન કોઈ ચીજ હોય તો એ એની સેન્સર સિસ્ટમ છે. ‘ઝેનેડ્યુ 2.0’માં પ્રવેશનાર વ્યક્તિને એક પિન અપાય છે. આ પિન આખા ઘરમાં લગાવેલાં સેન્સર્સ સાથે ઇન્ટરેક્ટ કરે છે. ગુજરાતીમાં કહીએ તો સંવાદ. ઘરમાં ફરતા જાઓ એમ એમ એની મદદથી તમે ધારો એ કરી શકો.

બિલે તેમના ઘરમાં એવાં સેન્સર લગાવ્યાં છે કે ઘરમાં પ્રવેશનાર વ્યક્તિ પોતાની મરજી પ્રમાણેનું તાપમાન અને લાઇટિંગ રાખી શકે. તમને ઠંડી જોઈતી હોય તો તમે ઓછું ટેમ્પરેચર કરી શકો ને એ માટે ઝાઝું કંઈ કરવાની જરૂર નથી. પિનની મદદથી કેટલું તાપમાન રાખવું છે એ એન્ટર કરો ને કેવી લાઇટ રાખવી છે એ એન્ટર કરો એટલે એક સેકંડમાં તો તમારી મરજી પ્રમાણેનું તાપમાન ને લાઇટિંગ થઈ જાય. આખા ઘરની દીવાલોમાં વૉલપેપરની પાછળ સ્પીકર્સ લગાવેલાં છે, જેથી લાઇટિંગ પ્રમાણે આ મ્યુઝિક બદલાયા કરે.

‘ઝેનેડ્યુ 2.0’માં બીજી કમાલની ચીજ એની દીવાલો છે. બિલ ગેટ્સે આખા ઘરની દીવાલો પર જંગી કમ્પ્યુટર સ્ક્રીન્સ લગાવેલી છે એના કારણે દીવાલ પર તમે ધારો એ પ્રકારનાં પિક્ચર સર્જી શકો. એક અંદાજ પ્રમાણે દસ વરસ પહેલાં બિલ ગેટ્સે 80 હજાર ડૉલર આ કમ્પ્યુટર સ્ક્રીન્સ પાછળ ખર્ચેલા. આ દીવાલો પર બતાવવા માટે બિલ ગેટ્સે દુનિયાનાં શ્રેષ્ઠ કલાકારોનાં પેઇન્ટિંગ્સ પોતાની કમ્પ્યુટર સિસ્ટમમાં સ્ટોર કર્યાં છે. હજારોની સંખ્યામાં અદ્ભુત પિક્ચર્સ દીવાલની સિસ્ટમમાં સ્ટોર કરાયેલાં છે. તમને ઇચ્છા થાય કે લિયોનાર્ડો દ વિન્ચીનું ‘ધ લાસ્ટ સપર’ દીવાલના બૅકગ્રાઉન્ડમાં કરવું છે તો કરી શકો કે એમ.એફ. હુસૈનનું ‘મીનાક્ષી’ બૅકગ્રાઉન્ડમાં જોઈએ છે તો એ પણ કરી શકો. હૉલીવુડની કોઈ ક્લાસિક મૂવીનું પોસ્ટર દીવાલ પર જોઈતું હોય તો એ પણ આવી જાય ને કૅલિફૉર્નિયાના કુદરતી નઝારાનું ચિત્ર જોઈતું હોય તો એ પણ આવી જાય. આ સ્ટોરિંગ સિસ્ટમ માટે બિલ ગેટ્સે દોઢ લાખ ડૉલર ખર્ચ્યા હતા. બિલ ગેટ્સને આ બધું સસ્તામાં પડે, કેમ કે તેમના માટે ઘરની ખેતી છે; પણ બીજો કોઈ કરાવે તો ઓછામાં ઓછો દસ લાખ ડૉલરનો ખર્ચ થઈ જાય.

‘ઝેનેડ્યુ 2.0’માં બીજી કમાલની ચીજ એની લાઇબ્રેરી છે. ઘણા લોકો પોતાનાં ઘરોમાં લાઇબ્રેરી બનાવતા હોય છે, પણ બિલ જેવી લાઇબ્રેરી ભાગ્યે જ કોઈની પાસે હશે, કેમ કે આ લાઇબ્રેરી ટ્રેડિશન અને ટેકનૉલૉજીના સંગમ જેવી છે. 2100 ચોરસ ફીટ વિસ્તારમાં ફેલાયેલી આ લાઇબ્રેરીની છત ડોમ જેવી છે ને એમાં બે સિક્રેટ બુક-કેસ છે. એક સિક્રેટ બુક-કેસ ખોલો એટલે પાછો અંદર છુપાવેલો બાર જોવા મળે. બીજા બુક-કેસમાં વર્લ્ડની ક્લાસિક બુક્સ છે.

બિલ ગેટ્સની આ લાઇબ્રેરીમાં લાખો બુક્સ ડિજિટલી સચવાયેલી છે. આંગળીનાં ટેરવે બધી બુક્સની માહિતી છે ને તમે ઇચ્છો એ બુક આરામથી ઈઝી ચેરમાં પડ્યા-પડ્યા વાંચી શકાય. બુક હાથમાં લેવાની પણ જરૂર નહીં. મોટી સ્ક્રીન પર બુકની ડિજિટલ કૉપી આવી જાય. વાંચતા જાઓ એમ સ્ક્રોલ કરતા જાઓ ને મજા કરતા જાઓ. વાંચીને થાકો તો તરત બંધ કરી દેવાનું ને ફરી ચાલુ કરો ત્યારે ફરી જ્યાંથી છોડ્યું હોય ત્યાંથી શરૂ કરવાનું.

બિલ ગેટ્સની લાઇબ્રેરીના ડોમ પર ‘ધ ગ્રેટ ગેટ્સબી’ નૉવેલનું એક ક્વોટ છે. ‘ધ ગ્રેટ ગેટ્સબી’ નોવેલ કઈ એ ખબર છે ? એફ. સ્કોટ ફિઝરાલ્ડ નામના અમેરિકને 1925માં લખેલી આ નૉવેલ પરથી 2013માં બાઝ લુહરમાને ફિલ્મ બનાવેલી. હૉલીવુડના સ્ટાર લિયોનાર્ડો દ કેપ્રિયો ને ટોબી મેગ્વાયર આ ફિલ્મમાં હતા, પણ આપણા માટે મહત્ત્વની વાત એ છે કે આપણા સુપરસ્ટાર અમિતાભ બચ્ચને એ ફિલ્મમાં નાનકડો રોલ કરેલો. બચ્ચનબાબુએ હૉલીવુડમાં કરેલી આ એકમાત્ર ફિલ્મ છે.

‘ધ ગ્રેટ ગેટ્સબી’નું યાદગાર ક્વોટ લાઇબ્રેરીના ડોમ પર છે.શું છે એ ક્વોટ?

“He had come a long way to this blue lawn, and his dream must have seemed so close that he could hardly fail to grasp it.”

મતલબ?

આ બ્લુ લૉન સુધી પહોંચવા આ માણસે બહુ સંઘર્ષ કરવો પડેલો ને તેનું સપનું એટલું પાસે હતું કે તે એને પૂરું ન કરી શકે એવું બની જ ન શકે.

‘ધ ગ્રેટ ગેટ્સબી’ના ક્વોટ ઉપરાંત લાઇબ્રેરીમાં બીજી પણ એક ગજબનાક ચીજ છે. આ ચીજ છે એક મેનુસ્ક્રિપ્ટ. લિયોનાર્ડો દ વિન્ચીએ સોળમી સદીમાં લખેલી આ મેનુસ્ક્રિપ્ટ બિલ ગેટ્સે એક હરાજીમાં ખરીદેલી. અને એ માટે બિલ ગેટ્સે કેટલી કિંમત ચૂકવેલી ખબર છે?

3.08 કરોડ ડૉલર.

અત્યારના ભાવે ગણો તો 200 કરોડ રૂપિયા થાય.સાલુ, એક મેનુસ્ક્રિપ્ટ પાછળ 200 કરોડ રૂપિયા ખર્ચી નાખતાં જીવ ચાલે?

આપણે બિલ ગેટ્સ હોઈએ તો ચોક્કસ ચાલે!

***

તમે કોઈ વૃક્ષની કાળજી લેવા માટે ટેકનૉલૉજીનો ઉપયોગ કરાતો હોય કે કમ્પ્યુટર એનું ધ્યાન રાખતું હોય એવું સાંભળ્યું છે? પણ બિલ ગેટ્સના ઘરમાં એવું થાય છે.બિલ ગેટ્સના કમ્પાઉન્ડમાં એક મેપલ ટ્રી છે. ડ્રાઇવ વેની પાસે આવેલું આ વૃક્ષ 40 વર્ષ જૂનું છે. બિલ ગેટ્સે આ પ્રૉપર્ટી ખરીદી ત્યારે તેમને એ મેપલ ટ્રી એટલું ગમી ગયું કે તમેણે એને કશું નહીં કરવાનું ફરમાન કરી દીધેલું. બિલ ગેટ્સે પોતાના ઘરની આસપાસ પુષ્કળ લીલોતરી ઊભી કરી છે. ‘ઝેનેડ્યુ 2.0’ની આસપાસ પુષ્કળ ઝાડ છે એના કારણે કુદરતી રીતે એનું તાપમાન ઓછું રહે છે. આ પૈકી મોટા ભાગનાં વૃક્ષો પછી વવાયાં પણ મેપલ ટ્રી 40 વર્ષથી અહીં ઊભું છે.

આ વૃક્ષ હંમેશાં તાજું રહે એ માટે બિલ ગેટ્સે એક કમ્પ્યુટર સિસ્ટમ લગાવી દીધી છે. આ સિસ્ટમ વૃક્ષનો વિકાસ કેવો થાય છે એનું ધ્યાન રાખે છે ને વૃક્ષને કેટલું પોષણ મળ્યું ને ક્યારે પોષણ જોઈશે એ પણ નક્કી કરે છે. કોઈ પણ તબક્કે કમ્પ્યુટરસિસ્ટમને લાગવા માંડે કે વૃક્ષ સુકાવા લાગ્યું છે કે તરત જ એઅલર્ટ આપે છે. પરિણામે વૃક્ષને આપોઆપ જ પાણી મળવા માંડે છે.

છેને કમાલની ગોઠવણ ?

***

‘ઝેનેડ્યુ 2.0’માં એક ગેસ્ટ હાઉસ પણ છે. બિલ ગેટ્સું ઘર આખું બનતાં સાત વરસ લાગેલાં ને સૌથી પહેલાં બિલ ગેટ્સે આ 1900 ચોરસ ફૂટનું  ગેસ્ટ હાઉસ બંધાવેલું. તે પોતે આ ગેસ્ટ હાઉસમાં રહેતા ને મકાન પોતાની ઇચ્છા પ્રમાણે બંધાય છે કે નહીં એ જોતા. આ ગેસ્ટ હાઉસ પણ ટેકનૉલૉજિકલ માર્વેલ છે. બિલના મુખ્ય ઘરમાં છે એ બધી સવલતો આ નાનકડા ગેસ્ટ હાઉસમાં છે. આપણે ત્યાં ફોર બેડરૂમ ફ્લૅટ હોય એટલી જગામાં આ ગેસ્ટ હાઉસ છે.

મજાની વાત એ છે કે બિલ ગેટ્સ પોતાનો મોટા ભાગનો સમય ગેસ્ટ હાઉસમાં રહે છે કેમ કે ત્યાં બહુ શાંતિ હોય છે. એને કારણે શાંતિથી બેસીને કશુંક લખવું હોય કે કંઈક વિચારવું હોય તો અહીં કોઈ ખલેલ ન પહોંચાડે. બિલ ગેટ્સે ‘ધ રોડ અહેડ’ નામે બુક લખી છે ને આ બુક તમેણે આ ગેસ્ટ હાઉસમાં બેસીને લખી છે.

બિલ ગેટ્સના ઘરમાં બીજી પણ સામાન્ય સવલતો તો છે જ. ‘ઝેનેડ્યુ 2.0’માંમાં હોમ થિયેટર છે. એમાં એકસાથે બેસીને 20 મહેમાનો મૂવી જોઈ શકે છે. જોકે બિલ ગેટ્સ હોમ થિયેટરનો ઉપયોગ મૂવી જોવા ઓછો કરે છે,ટેકનૉલૉજીના ને એવા સેમિનાર્સ કે કૉન્ફરન્સ જોવા વધારે કરે છે. તેના ઘરમાં એક અલગ ઍક્ટિવિટી બિલ્ડિંગ રૂમ પણ છે ને ત્યાં ઇચ્છો એ કરી શકાય છે. 900 ચોરસ ફૂટ એટલે કે નાનકડા વન બેડરૂમ ફ્લૅટ જેવો આ ઍક્ટિવિટી રૂમ સ્પોર્ટ કોર્ટની પાસે છે. બિલ ગેટ્સ ટેનિસ રમીને નવરા પડે કે થાકે ત્યારે અહીં પહોંચી જાય છે.

‘ઝેનેડ્યુ 2.0’માં એક વિશાળ ગૅરેજ છે જેમાં એકસાથે 10 કાર પાર્ક કરી શકાય છે. આ પાર્કિંગ પણ ટેક્નૉલૉજીની મદદથી ચાલે છે. સ્ટીલ અને કૉન્ક્રીટમાંથી બનાવાયેલું આ પાર્કિંગ અન્ડરગ્રાઉન્ડ છે ને એમાં એવી સગવડ છે કે એક વાર કાર અંદર આવે ત્યારે આપોઆપ જ ધોવાઈ જાય ને સાફ થઈ જાય. એ સિવાય બીજા અલગ-અલગ પાર્કિંગ પણ છે.આ બધાં પાર્કિંગમાં બીજી 13 કાર પાર્ક કરી શકાય છે ને એ રીતે બિલના મકાનમાં 23 કાર પાર્ક કરી શકાય છે.

‘ઝેનેડ્યુ 2.0’માં 60 ફૂટ લાંબો સ્વિમિંગ-પૂલ છે ને આ સ્વિમિંગ-પૂલ માટે 3900 ચોરસ ફૂટનું અલગ બિલ્ડિંગ છે. સ્વિમિંગ-પૂલની અંદર મ્યુઝિક સિસ્ટમ છે. આ અન્ડરવૉટર મ્યુઝિક સિસ્ટમમાં મરજી પ્રમાણેનું મ્યુઝિક સેટ કરીને તરી શકાય.

બિલ ગેટ્સના ઘરમાં 2500 ચોરસ ફૂટના બિલ્ડિંગમાં એક્સરસાઇઝની સવલતો ઉપરાંત સોના બાથ, સ્ટીમ બાથ જેવી સવલતો તો છે જ, પણ એની સાથે-સાથે બિલ ગેટ્સે એક ટ્રેમ્પોલિન રૂમ પણ બનાવ્યો છે.

ટ્રેમ્પોલિન એટલે શું ખબર પડી?

નાના હતા ને મેળામાં જતા ત્યારે સૌથી વધારે મજા શેમાં આવતી ? રબરના બેડ જેવું હોય એના પર ચડીને કૂદાકૂદ કરવામાં જેમ-જેમ જોર કરીને કૂદતા જાઓ એેમ-એમ ઊંચા જતા જાઓ. ટ્રેમ્પોલિનમાં બૅલૅન્સ જાળવવા બહુ મહેનત કરવી પડે, નહીંતર ભમ્મ થઈ જવાય. અત્યારે મોટા ભાગના મૉલમાં ટ્રેમ્પોલિન હોય છે ને છોકરા મસ્તીથી એની મજા માણે ત્યારે બાળપણના દિવસો યાદ આવી જાય છે. બિલ ગેટ્સના ટ્રેમ્પોલિન રૂમની ઊંચાઈ 20 ફૂટ છે એટલે બહુ કૂદો તોય ઉપર માથું ભટકાવાની ચિંતા જ નહીં. બિલ ગેટ્સ રોજ આ ટ્રેમ્પોલિન રૂમમાં જાય છે ને કૂદાકૂદ કરીને મજા લે છે. એક્સરસાઇઝની એક્સરસાઇઝ ને મજાની મજા.

આ સિવાય બિલ ગેટ્સના ઘરમાં બીજું શું શું છે?

એક રિસેપ્શન હૉલ છે કે જેમાં 150 લોકો એકસાથે બેસીને ડિનર લઈ શકે. 2300 ચોરસ ફૂટના આ હૉલમાં 200 લોકો ઊભા-ઊભા કૉકટેલની મજા માણી શકે છે. હૉલમાં એક તરફ છ ફૂટ પહોળી લાઇમસ્ટોન ફાયરપ્લેસ છે ને બીજી તરફ 22 ફૂટ પહોળી વીડિયો-સ્ક્રીન છે. ઘરમાં 24 બાથરૂમ છે, જે પૈકી 10 બાથરૂમમાં પૂલમાં પડ્યા-પડ્યા નાહવાની સગવડ છે. ઘરમાં છ કિચન છે ને આ કિચન એ રીતે બનાવાયાં છે કે બિલ કે એનો પરિવાર કે એના મહેમાન ગમે એ ભાગમાં હોય, બાજુમાં કિચન જ હોય. ખાવું હોય એ મગાવી શકાય, પીવું હોય એ લઈ શકાય.

બિલ ગેટ્સે એક કૃત્રિમ ઝરણું પણ બનાવ્યું જેમાં માછલીઓ હોય છે. એક કૃત્રિમ બીચ પણ બનાવ્યો છે ને એની રેતી કૅરિબિયન ટાપુઓ પરથી મગાવી છે.

***

ભારતમાં ધનિકો જે પ્રકારનાં ઘરોમાં રહે છે એના કરતાં બિલનું ઘર બહુ અલગ છે. આપણે ત્યાં ધનિકો ઇટાલિયન માર્બલ ને એમેજોેનાના ટિકવુડ જેવી ચીજો પાછળ પાણીની જેમ પૈસા ખર્ચે છે. બિલ ગેટ્સે એવું કશું કરવાના બદલે પોતે જેમાં માસ્ટર છે એ ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને પોતાના ઘરને કોઈ ન બનાવી શકે એવું બનાવ્યું છે.

જોકે મજાની વાત એ છે કે બિલ ગેટ્સ પોતાના આ અનોખા ઘરનો ઉપયોગ પણ કમાણી કરવા કરે છે. અલબત્ત, આ કમાણીનો ઉપયોગ તે પોતાના મોજશોખ કે જલસા માટે નથી કરતા પણ પોતાના ફાઉન્ડેશનને આપે છે. બિલનું ફાઉન્ડેશન આખી દુનિયામાં સ્વાસ્થ્યની સવલતો સુધારવા અબજો ડૉલર ખર્ચે છે. આ ફાઉન્ડેશનને બિલ પોતે તો આર્થિક મદદ કરે જ છે, પણ માઇક્રોસોફ્ટના કર્મચારીઓ પણ ફાઉન્ડેશનને મદદ કરે છે. બિલ દર વર્ષે હરાજી કરીને કર્મચારીઓની સેવા ફાઉન્ડેશન માટે લે છે. આ ઉપરાંત બીજી પ્રોડક્ટ્સ પણ વેચે છે.

આ હરાજીમાં બિલ ગેટ્સ પોતાના ઘરની ટૂર કરવાની ઑફર પણ કરે છે ને એક વાર એક બિઝનેસમૅને 35,000 ડૉલર એટલે કે લગભગ 24 લાખ રૂપિયા દાનમાં આપીને આખા ઘરની ટૂર કરેલી તથા બિલ ગેટ્સની મહેમાનગતિ માણેલી.

તમારી પાસે પણ વધારાના 25 લાખ રૂપિયા દાનમાં આપવા માટે હોય તો બિલની મહેમાનગતિ માણવાનું વિચારજો!

‘ઝેનેડ્યુ 2.0’માં સૌથી અફલાતૂન કોઈ ચીજ હોય તો એ એની સેન્સર સિસ્ટમ છે. ‘ઝેનેડ્યુ 2.0’માં પ્રવેશનાર વ્યક્તિને એક પિન અપાય છે. આ પિન આખા ઘરમાં લગાવેલાં સેન્સર્સ સાથે ઇન્ટરેક્ટ કરે છે. ગુજરાતીમાં કહીએ તો સંવાદ. ઘરમાં ફરતા જાઓ એમ એમ એની મદદથી તમે ધારો એ કરી શકો.

બિલે તેમના ઘરમાં એવાં સેન્સર લગાવ્યાં છે કે ઘરમાં પ્રવેશનાર વ્યક્તિ પોતાની મરજી પ્રમાણેનું તાપમાન અને લાઇટિંગ રાખી શકે. તમને ઠંડી જોઈતી હોય તો તમે ઓછું ટેમ્પરેચર કરી શકો ને એ માટે ઝાઝું કંઈ કરવાની જરૂર નથી. પિનની મદદથી કેટલું તાપમાન રાખવું છે એ એન્ટર કરો ને કેવી લાઇટ રાખવી છે એ એન્ટર કરો એટલે એક સેકંડમાં તો તમારી મરજી પ્રમાણેનું તાપમાન ને લાઇટિંગ થઈ જાય.

હજારોની સંખ્યામાં અદ્ભુત પિક્ચર્સ દીવાલની સિસ્ટમમાં સ્ટોર કરાયેલાં છે. તમને ઇચ્છા થાય કે લિયોનાર્ડો દ વિન્ચીનું ‘ધ લાસ્ટ સપર’ દીવાલના બૅકગ્રાઉન્ડમાં કરવું છે તો કરી શકો કે એમ.એફ. હુસૈનનું ‘મીનાક્ષી’ બૅકગ્રાઉન્ડમાં જોઈએ છે તો એ પણ કરી શકો. હૉલીવુડની કોઈ ક્લાસિક મૂવીનું પોસ્ટર દીવાલ પર જોઈતું હોય તો એ પણ આવી જાય ને કૅલિફૉર્નિયાના કુદરતી નઝારાનું ચિત્ર જોઈતું હોય તો એ પણ આવી જાય.આ સ્ટોરિંગ સિસ્ટમ માટે બિલ ગેટ્સે દોઢ લાખ ડૉલર ખર્ચ્યા હતા.

બિલ ગેટ્સની લાઇબ્રેરીમાં લાખો બુક્સ ડિજિટલી સચવાયેલી છે. આંગળીનાં ટેરવે બધી બુક્સની માહિતી છે ને તમે ઇચ્છો એ બુક આરામથી ઈઝી ચેરમાં પડ્યા-પડ્યા વાંચી શકાય. બુક હાથમાં લેવાની પણ જરૂર નહીં. મોટી સ્ક્રીન પર બુકની ડિજિટલ કૉપી આવી જાય. વાંચતા જાઓ એમ સ્ક્રોલ કરતા જાઓ ને મજા કરતા જાઓ. વાંચીને થાકો તો તરત બંધ કરી દેવાનું ને ફરી ચાલુ કરો ત્યારે ફરી જ્યાંથી છોડ્યું હોય ત્યાંથી શરૂ કરવાનું.

કૉકટેલ ઝિંદગી
કૉકટેલ ઝિંદગી

કૉકટેલ ઝિંદગી - ગુજરાતી પત્રકારત્વમાં ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ધરાવતું સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ મેગેઝીન.

No Comments Yet

Leave a Reply

Your email address will not be published.

‘Cocktail Zindagi’ is not just a publication, it is a journey in itself in which you play an important character. We work to bring you stories not only from the crème de la crème but also from the grass root level.We also write content that portrays the beautiful shades of life, thus the name ‘Cocktail Zindagi’.